પોસ્ચેસટ્રૂમ (સાઉથ આફ્રિકા): મંગળવારના રોજ ઓસ્ટ્રેલિયા સામે રમાઇ રહેલી ક્વાર્ટરફાઇનલ મેચમાં ભારતે 74 રન સાથે શાનદાર જીત મેળવી હતી. આ સાથે ભારત ઇતિહાસમાં 9મી વાર સેમિફાઇનલ ટુર્નામેન્ટમાં પહોંચવામાં સફળ રહી છે. આ જીતને લઇ સેમિફાઇનલ મેચની જો વાત કરવામાં આવે તો ભારત પાકિસ્તાન અથવા અફધાનિસ્તાન સામે રમી શકે છે.
ભારતની ઓસ્ટ્રેલિયા સામે 74 રને શાનદાર જીત દક્ષિણ આફ્રિકાના પોસ્ચેસટ્રૂમમાં રમાયેલી મેચમાં ઓસ્ટ્રેલિયાએ સૌપ્રથમ ટોસ જીતી અને બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ સાથે જ ભારતે બેટિંગ કરતા 50 ઓવરમાં 9 વિકેટના નુકસાન પર 233 રન બનાવ્યા હતાં. જેના જવાબમાં કાંગારૂ ટીમ 159 રન પર જ સમેટાઇ ગઇ હતી.
ભારતની જીતમાં ફાળો
ભારત તરફથી કાર્તિક ત્યાગીએ 4, આકાશ સીંધએ 3 જ્યારે રવી બિશ્નોઇએ 1 વિકેટ મેળવી ભારતની આ મહત્વપૂર્ણ જીતમાં મહત્વની ભૂમિકા ભજવી હતી. ભારતે પ્રથમ બેટિંગ કરતા યશસ્વી જયસ્વાલના 62 રન અને અથર્વ અંકોલેકરની 55 રનની મદદથી 233 રન સાથે સન્માનજનક સ્કોર ઉભો કર્યો હતો. આ મેચમાં 4 વિકેટ ઝડપી ટીમને સેમિફાઇનલમાં પહોંચાડનાર કાર્તિક ત્યાગીને મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો.
ડબલ ફિગર પર માત્ર ત્રણ જ બેટ્સમેન પહોંચી શક્યા
ઓસ્ટ્રેલિયા તરફથી સેમ ફેનિંગે 75 રન બનાવ્યા હતાં. આ ઉપરાંત લિયમ સ્કોટે 35 અને પેટ્રિક રોવેએ 21 રન બનાવ્યા હતાં. આ સિવાયના બેટ્સમેનનો શો ફ્લોપ જારી રહ્યો હતો અને કોઇ પણ બેટ્સમેન ડબલ ફિગર પર પણ પહોંચવામાં સફળ રહ્યા ન હતાં.