ઓસ્ટ્રેલિયા/મેલબર્ન: ICC T-20 મહિલા ક્રિકેટ વિશ્વકપમાં આજે ભારત અને શ્રીલંકા વચ્ચે મેચ રમાઈ રહી હતી. જેમાં શ્રીલંકાની ટીમે ભારત સામે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો, ભારતીય મહિલા ટીમે T-20 વર્લ્ડકપની ગ્રુપ મેચમાં શ્રીલંકાને 7 વિકેટે હરાવી ટૂર્નામેન્ટમાં સતત ચોથી મેચ જીતી લીધી છે.
જીત માટે મેદાનમાં ઉતરેલી ભારતીય ઓપનર શેફાલી વર્માએ 47 રન કર્યા હતા. તે સતત બીજી મેચમાં ફિફટી મારી શકી નહોતી. કેપ્ટન હરમનપ્રીત કોર 15 રને આઉટ થઇ હતી. સ્મૃતિ મંધાનાએ 17 રન કર્યા હતાં. જો કે, ભારત પહેલાથી સેમિફાઇનલમાં પહોંચી ગયું છે.
આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બેટિંગ કરતા 9 વિકેટે 113 રન કર્યા હતાં. શ્રીલંકા માટે કપ્તાન ચમારી અટ્ટાપટ્ટુએ સૌથી વધુ 33 રન બનાવ્યા હતા. આ ઉપરાંત કવિશા દિલ્હારીએ 25 રનની ઇનિંગ્સ રમી હતી. ભારત માટે રાધા યાદવે 4 ઓવરમાં 23 રન આપીને 4 વિકેટ લીધી હતી. રાજેશ્વરી ગાયકવાડે 2 અને દીપ્તિ શર્મા, શિખા પાંડે અને પૂનમ યાદવે 1-1 વિકેટ લીધી હતી.