હૈદરાબાદઃ ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)ના એન્ટી કરપ્શન યુનિટ (ACU)ના સંયોજક સ્ટીવ રિચાર્ડસને કહ્યું કે, ભારતમાં મેચ ફિક્સિંગને ગુનો જાહેર કરવામાં આવે તો જ ફિક્સિંગ પર કાબૂમાં આવી શકે છે. ભારતમાં કડક કાયદો નથી એટલે જ ક્રિકેટમાં ભ્રષ્ટાચારની તપાસ કરતી વખતે પોલીસ અને અન્ય અધિકારીઓના હાથ બંધાયેલા છે.
રિચાર્ડસને એક ખાનગી ચેનલને કહ્યું કે, અત્યારે આ અંગે કોઈ કાયદો નથી, છતાં પણ અમે મેચ ફિક્સિંગ રોકવા ભારતીય પોલીસ સાથે મળીને કામ કરી રહ્યાં છીએ. મેચ ફિક્સિંગ રોકવા માટે ICC પાસે મર્યાદિત સંસાધનો છે, જેથી ફિક્સિંગ કરનારા લોકો એનો દૂરપયોગ કરે છે. મેચ ફિક્સિંગ મુદ્દે ભારતમાં કાયદો બદલાશે, ત્યારે જ સ્થિતિ કાબૂમાં આવશે. અત્યારે અમે ફિક્સિંગ સંબંધિત 50 કેસોની તપાસ કરી રહ્યાં છીએ. જેમાંથી મોટા ભાગના કેસ ભારત સાથે સંબંધ ધરાવે છે.