લાહોર: પાકિસ્તાનના ક્રિકેટર શોએબ અખ્તરે પીસીબી દ્વારા ઓમર અકમાલ પર ત્રણ વર્ષના પ્રતિબંધ માટે બોર્ડ અને તેની કાનૂની ટીમની ટીકા કરી હતી. અખ્તરે પીસીબીના કાયદાકીય સલાહકાર તફજુલ રિઝવીને અયોગ્ય ઠેરવ્યા હતા. આ અંગે અખ્તરે કહ્યું હતું કે, બોર્ડ પસંદગીના ભ્રષ્ટ ખેલાડીઓનું રક્ષણ કરી રહ્યું છે, પરંતુ કેટલાક અન્ય લોકોને સજા થઈ રહી છે.
પૂર્વ ફાસ્ટ બોલર શોએબ અખ્તરે કહ્યું કે, આ નોટિસ ખોટી છે, હું હજી પણ મારા શબ્દોને વળગી રહ્યો છું. મને તાફજુલ રિઝવી તરફથી નોટિસ મળી છે, જે જુઠ્ઠાણા અને મનગડત દલીલોથી ભરેલી છે. મારા વકીલ તરીકે મેં સલમાનની નિમણૂક કરી છે, જે મારા વતી નોટિસનો યોગ્ય જવાબ મોકલશે. હું રિઝવીના અયોગ્ય કામ અંગે આપેલા મારા નિવેદન પર અડગ છું."
મહત્વનું છે કે, પીસીબી દ્વારા ઉમર અકમલ પર ત્રણ વર્ષનો પ્રતિબંધ લાદવામાં આવ્યા બાદ અખ્તરે બોર્ડ અને તેની કાયદાકીય ટીમ પર આકરા પ્રહાર કર્યા હતાં. અખ્તરે રિઝવીની પણ ટીકા કરી હતી, ત્યારબાદ રિઝવીએ અખ્તર સામે ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો હતો, બીજી તરફ પાકિસ્તાનનો પૂર્વ કેપ્ટન યુનુસ ખાન પણ સાથી શોએબ અખ્તરના સમર્થનમાં આવ્યો હતો. જેણે પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) ના કાયદાકીય વિભાગને ગેરલાયક ઠેરવ્યો હતો.
યુનુસે ટ્વિટર પર લખ્યું કે, શોએબ અખ્તરે જે કહ્યું તે યોગ્ય અને કડવું સત્ય છે. સાચી વાત કરવાની હિંમત હોવી જ જોઇએ. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે દેશની ક્રિકેટ અને ખેલાડીઓના સુધારા માટે પ્રામાણિકતાથી સમીક્ષા કરવી જોઈએ. હું શોએબ અખ્તરની સાથે છું."