હૈદરાબાદઃ વિશ્વના સર્વશ્રેષ્ઠ ઓલટાઇમ બેટ્સમેન ગણાતા સચિન રમેશ તેંડુલકરે ખૂબ જ નાનપણથી જ ક્રિકેટ રમવાનું શરૂ કર્યું હતું અને એક સમયે ટેસ્ટ ક્રિકેટમાં સૌથી નાની વયે પોતાના દેશનું પ્રતિનિધિત્વ કરવાનો રેકોર્ડ પણ પોતાના નામે કર્યો હતો. સચિન દેશના પહેલા અવા ક્રિકેટર છે કે જેમને ભારત રત્નથી સન્માનીત કરવામાં આવ્યાં છે.
સચિનના જીવન સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ માહિતિ
સચિન તેંડુલકરનો જન્મ 24 એપ્રિલ 1973ના રોજ મુંબઇના શિવાજી પાર્ક રાનાડે રોડ સ્થિત નિર્મલ નર્સિગ હોમમાં થયો હતો. સચિનનું નામ તેના પિતા રમેશ તેંડુલકરે તેમના પ્રિય સંગીતકાર સચિન દેવ બર્મનના નામ પરથી રાખ્યું હતું. સચિનના મોટા ભાઇ અજિત તેંડુલકરે સચિનને ક્રિકેટ રમવા માટે પ્રોત્સાહિત કર્યા હતા. સચિનના એક ભાઇનુ નામ નીતિન તેંડુલકર છે. અને તેને એક બહેન છે જેનુ નામ સવિતાઇ તેંડુલકર છે. 24 મે 1995ના રોજ સચિને ડૉ. અંજલિ મહેતા સાથે લગ્ન કર્યા હતા. સચિન અને અંજલિ બંને પહેલીવાર એરપોર્ટ પર મળ્યા હતા, તે સમયે અંજલિને સચિન અને ક્રિકેટ બન્ને વિશે વધારે જાણતી ન હતી. સચિનને બે સંતાનો છે. જેમાં પુત્રી સારા તેંડુલકર અને પુત્ર અર્જુન તેંડુલકર.
સમગ્ર વિશ્વમાં ક્રિકેટને નવી ઓળખ આપનારા સચિન તેંડુલકરે 15 નવેમ્બર 1989માં માત્ર 16 વર્ષની વયે પાકિસ્તાન સામે આંતરરાષ્ટ્રીય ક્રિકેટની દુનિયામાં પગ મૂક્યો હતો. જ્યારે સચિને 16 નવેમ્બર 2013ના રોજ ક્રિકેટમાંથી નિવૃતી લીધી હતી. આ 24 વર્ષોની તેની કારકિર્દીમાં તેમણે તે બધું જ પ્રાપ્ત કર્યું જે આજના યુગના દરેક ખેલાડીનું સ્વપ્ન હોય છે.
સચિનની આંતરરાષ્ટ્રીય કારકીર્દી પર એક નજર
ક્રિકેટના ભગવાન ગણાતા સચિન 200 ટેસ્ટ મેચ રમ્યા હતા. આ દરમિયાન તેમણે ટેસ્ટ ક્રિકેટમાં 53.8ની સરેરાશથી 15921 રન બનાવ્યા હતા, તેમણે તેની ટેસ્ટ કારકિર્દીમાં 51 સદી અને 68 ફિફ્ટી મારી હતી. ટેસ્ટ મેચમાં સચીનનો સર્વશ્રેષ્ઠ સ્કોર 248* હતો
સચિનના વન-ડે કરીયર વિશે વાત કરીએ તો સચિને કુલ 463 વન-ડે મેચ રમી છે. જેમાં 44.8 ની સરેરાશથી સચિને 49 સદી અને 96 અર્ધીસદી ફટકારી છે. વન-ડે માં સચિને કુલ 18426 રન બનાવ્યા છે. સચિન વન-ડેમાં પ્રથમ બેવડી સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ બેટ્સમેન છે.
સચિને પોતાના આંતરરાષ્ટ્રીય કારકીર્દીમાં કુલ 100 સદી મારી છે.
રસપ્રદ વાત એ છે કે સચિને ફક્ત એક જ આંતરરાષ્ટ્રીય ટી-20 મેચ રમી છે. જેમાં તેણે 12 રન બનાવ્યા હતા.
સચિને બેટિંગની સોથોસાથ બોલિંગ પણ કરી છે અને તેણે ટેસ્ટમાં 46 વિકેટ ઝડપી હતી. જ્યારે વન-ડેમાં 154 વિકેટ ઝડપી છે. તેમજ આંતરરાષ્ટ્રીય ટી-20માં તેના નામે 1 વિકેટ છે.
સચિનની સિદ્ધિઓ
મીરપુરમાં 16 માર્ચ 2012ના રોજ બાંગ્લાદેશ વિરુદ્ધ કારકિર્દીની 100મી આંતરરાષ્ટ્રીય સદી
વન-ડે ક્રિકેટના ઇતિહાસમાં પ્રથમ ડબલ સદી ફટકારનાર વિશ્વનો પ્રથમ ખેલાડી
વન-ડે મેચમાં સૌથી વધુ (18426) રન બનાવનાર ખેલાડી
વન-ડે મેચોમાં સૌથી વધુ 49 સદી ફટકારી