નવી દિલ્હીઃ ઇન્ડિયન ડોમેસ્ટિક ક્રિકેટના દિગ્ગજ લેફ્ટ આર્મ સ્પિનર રજિન્દર ગોયલનું રવિવારે ઉંમર સંબંધિત બીમારીને કારણે 77 વર્ષની વયે નિધન થયું હતું.
મહત્વનું છે કે, રજિન્દર ગોયલે રણજી ટ્રોફીમાં સૌથી વધુ 637 વિકેટ લીધી હતી. જેમાં 53 વખત એક ઇનિંગ્સમાં 5 વિકેટ અને 17 મેચમાં 10 વિકેટનો સામેલ છે. રજિન્દર હરિયાણા અને નોર્થ ઝોન માટે રમતા હતા. રજિન્દરે 1958-59થી 1984-85 દરમિયાન ફર્સ્ટ ક્લાસ ક્રિકેટની 157 મેચમાં કુલ 750 વિકેટ લીધી હતી.
રજિન્દરના મોત પર બોર્ડ ઓફ ક્રિકેટ ફોર કંટ્રોલ ઇન ઇન્ડિયા (BCCI)ના પૂર્વ પ્રેસિડેન્ટ રણબીર સિંહે કહ્યું કે, આ ક્રિકેટની રમત અને વ્યક્તિગત રીતે મારા માટે પણ એક મોટું નુકસાન છે. રજિન્દર દેશના સૌથી શ્રેષ્ઠ નહીં, એક મોટા સ્પિનર હતા. નિવૃત્તિ બાદ પણ ક્રિકેટ માટે બહુ મોટું યોગદાન આપ્યું હતું."
નોંધનીય છે કે, રજિન્દર ગોયલને BCCI તરફથી 2017માં CK નાયડુ લાઈફટાઈમ એવોર્ડ પણ મળ્યો હતો. ક્યારેય ભારત માટે ન રમ્યા હોવા છતાં આ સિદ્ધિ મેળવનાર તેઓ માત્ર ચોથા વ્યક્તિ હતાં. ગોયલ 44 વર્ષની વય સુધી ફર્સ્ટ કલાસ ક્રિકેટ રમ્યા હતા. રજિન્દરનો પુત્ર નીતિન પણ ફર્સ્ટ કલાસ ક્રિકેટ રમી ચૂક્યો છે. નીતિને મેચ રેફરી તરીકે પણ ફરજ નિભાવી હતી.