નવી દિલ્હીઃ કોવિડ-19 મહામારીના કારણે દેશમાં લાગૂ કરવામાં આવેલું લોકડાઉન હજૂ 2 અઠવાડિયા વધવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને IPL અનિશ્ચિતકાળ સુધી સ્થગિત થવાનું લગભગ નક્કી છે. ભારતીય ક્રિકેટ બોર્ડ આ મુદ્દે કેન્દ્ર સરકારના સત્તાવાર વલણની રાહ જોઈ રહ્યું છે, પરંતુ મોટા ભાગના મુખ્યપ્રધાનોએ વડાપ્રધાન સાથેની બેઠકમાં લોકડાઉન વધારવાની માંગ કરી છે.
IPLની 13મી સીઝન 29 માર્ચથી શરૂ થવાની હતી, પરંતુ કોરોના વાઇરસના કારણે આને 15 એપ્રિલ સુધી સ્થગિત કરવામાં આવી છે.
આ મુદ્દે ભારતીય ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યું કે, અત્યારે IPLનું આયોજન સંભવ નથી.
એક સમાચાર પત્રને આપવામાં આવેલા ઈન્ટરવ્યુમાં ગાંગુલીએ કહ્યું કે, અમારી નજર છે. આ સમયે કાંઈ પણ કહી શકાય તેવું નથી. એરપોર્ટ બંધ છે. લોકો પોતાના ઘરમાં છે. ઓફિસ લોકડાઉન છે. કોઈ વ્યક્તિ ક્યાંય પણ જઇ શકતો નથી. એવું લાગી રહ્યું છે કે, લોકડાઉન અડધા મે મહિના સુધી શરૂ રહેશે.