કરાચી: પાકિસ્તાનના મુખ્ય કોચ અને મુખ્ય પસંદગીકાર મિસબાહ-ઉલ-હકનું માનવું છે કે, બાબર આઝમ માટે એક વર્લ્ડ ક્લાસ બેટ્સમેન બનવાનું નિશ્ચિત છે. તે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી અને ઓસ્ટ્રેલિયાના સ્ટીવ સ્મિથ જેવો બનવાની નજીક છે.
મિસ્બાહે એક યુટ્યુબ ચેનલને આપેલી મુલાકાતમાં કહ્યું કે, મને કોઈ સરખામણી કરવી પસંદ નથી, પરંતુ બાબર વિરાટ કોહલી, સ્ટીવ સ્મિથ અથવા જો રૂટ જેવા બેટ્સમેન બનવાની ખૂબ જ નજીક છે, પરંતુ બાબારે આ કામ માટે સંપૂર્ણ ધ્યાન આપી મહેનત કરવી પડશે. જો એ કોહલી કરતા સારો બનવા માંગતો હોય તો કોહલીની તાકાત, કુશળતા અને રમત-ગમતથી પ્રેરણા લે.
મહત્વનું છે કે, ગત વર્ષે ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયા સામેની શ્રેણી પહેલા પાકિસ્તાન T-20 ટીમમાં કેપ્ટન તરીકે પચીસ વર્ષના બાબરની નિમણૂક કરવામાં આવી હતી. હવે તેને વનડે ટીમની કમાન પણ સોંપવામાં આવી છે. પાકિસ્તાનના મુખ્ય કોચ અને મુખ્ય પસંદગીકાર મિસબાહ-ઉલ-હકે કહ્યું કે, "અમે એક પ્રયોગ તરીકે T-20 કેપ્ટન બનાવાયો છે. અમે જોવા માંગીએ છીએ કે, બાબર આ પડકારને કેવી રીતે સ્વીકારે છે. અમે બધા સંમત છીએ કે, તે ખૂબ સારી ભૂમિકા ભજવી રહ્યો છે.
તેમણે કહ્યું કે, સૌથી સારી વાત એ છે કે, વિશ્વના ટોચના ખેલાડીઓ સાથે સરખાવવામાં આવી રહ્યો છે. જો તમારી પાસે બાબર જેવો ખેલાડી છે, તો બાકીની ટીમને પ્રેરણા આપવાનું સરળ બને છે.