નવી દિલ્હીઃ વર્લ્ડ કપ 2023 બાદ ICCની નવી વન ડે રેન્કિંગ બહાર પાડવામાં આવી છે. જેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને શ્રેયસ અય્યરના રેન્કિંગમાં સુધારો થયો છે. વર્લ્ડ કપ 2023માં રેકોર્ડ 765 રન બનાવનાર બેટ્સમેન વિરાટ કોહલી ટોપ પર પહોંચવાની ખૂબ નજીક છે. નવી તાજેતરની રેન્કિંગ અનુસાર, વિરાટ કોહલી 791 રેટિંગ સાથે ત્રીજા સ્થાને છે, જ્યારે ભારતીય કેપ્ટન રોહિત શર્મા 769 રેટિંગ સાથે વિરાટ કોહલી કરતા એક સ્થાન પાછળ ચોથા સ્થાને છે.
વિરાટ કોહલી પાસે નંબર 1 બનવાની તક: વિરાટ કોહલી પાસે 2017 થી 2021 સુધી નંબર વન શાસન સંભાળ્યા બાદ ફરીથી નંબર વન બનવાની તક છે. કોહલીએ વર્લ્ડ કપ 2023માં કોઈપણ વર્લ્ડ કપમાં સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેનનો રેકોર્ડ પણ તોડી નાખ્યો છે. વર્લ્ડ કપ સેમિફાઇનલમાં સદી અને ફાઇનલમાં અડધી સદી બાદ, વિરાટ કોહલીએ બુધવાર, 22 નવેમ્બરના રોજ અપડેટ કરાયેલ ODI રેન્કિંગમાં નં. 3નું સ્થાન પાછું મેળવી લીધું છે. અને તે ટોચના બે બેટ્સમેન શુભમન ગિલ અને પાકિસ્તાનના ભૂતપૂર્વ કેપ્ટન બાબર આઝમની નજીક આવી ગયો છે.