પલ્લેકેલે:રોહિત શર્મા અને શુભમન ગીલની અડધી સદીની મદદથી ભારતે સોમવારે અહીં વરસાદથી પ્રભાવિત મેચમાં ડકવર્થ-લુઈસ પદ્ધતિનો ઉપયોગ કરીને નેપાળને 10 વિકેટથી હરાવ્યું છે. ગ્રુપ A માંથી, ભારત અને પાકિસ્તાને 3-3 પોઈન્ટ સાથે સુપર 4 માં સ્થાન મેળવ્યું હતું, જ્યારે નેપાળ તેમની બંને મેચ હાર્યા બાદ એશિયા કપ 2023 ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ ગયું હતું.
નેપાળે 230 રન બનાવ્યા હતાઃભારત અને પાકિસ્તાન વચ્ચેની એશિયા કપ 2023ની મેચ વરસાદને કારણે ધોવાઈ ગઈ હતી. ભારત અને નેપાળની મેચમાં પણ વરસાદના કારણે લગભગ ત્રણ કલાક સુધી રમત રમાઈ શકી ન હતી. નેપાળે પ્રથમ બેટિંગ માટે આમંત્રિત કર્યા બાદ 48.2 ઓવરમાં 230 રન બનાવ્યા હતા.
રોહિત અને શુભમનની શાનદાર પારીઃભારતને ડકવર્થ લુઈસ પદ્ધતિથી 23 ઓવરમાં 145 રનનો ટાર્ગેટ મળ્યો હતો. ભારતે 20.1 ઓવરમાં કોઈપણ નુકશાન વિના 147 રન બનાવીને જીત મેળવી હતી. રોહિતે 59 બોલમાં 6 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી અણનમ 74 રન બનાવ્યા હતા, જ્યારે ગિલે 62 બોલમાં અણનમ 67 રન બનાવ્યા હતા જેમા 8 ચોગ્ગા અને 1 છગ્ગાનો સમાવેશ થાય છે.