નવી દિલ્હીઃICCએ પૂર્વ ભારતીય ક્રિકેટર વીરેન્દ્ર સેહવાગને સન્માન આપ્યું છે. જેના કારણે સેહવાગના ફેન્સનું દિલ ખુશ થઈ જશે. વાસ્તવમાં વીરેન્દ્ર સેહવાગને ICCની 'હોલ ઓફ ફેમ'ની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે. તમને જણાવી દઈએ કે, વીરેન્દ્ર સેહવાગ આ યાદીમાં સામેલ થનાર નવમો ભારતીય બની ગયો છે. ICC એ સોમવારે ICC હોલ ઓફ ફેમમાં ત્રણ નવા નામોની જાહેરાત કરી હતી, જેમાં સુપ્રસિદ્ધ ઓપનિંગ બેટ્સમેન વીરેન્દ્ર સેહવાગ, ભારતની ડાયના એડુલજી અને શ્રીલંકાના સુપરસ્ટાર અરવિંદા ડી સિલ્વાનો સમાવેશ થાય છે. આ ત્રણના સમાવેશ બાદ આ યાદીમાં ખેલાડીઓની સંખ્યા વધીને 112 થઈ ગઈ છે.
વીરેન્દ્ર સેહવાગે ICC હોલ ઓફ ફેમમાં સામેલ થવાનું સન્માન મળવા પર ખુશી વ્યક્ત કરી છે. તેઓએ કહ્યું કે, મને આ સન્માન સાથે સામેલ કરવા બદલ હું ICC અને જ્યુરીનો આભાર માનું છું. મને જે ગમે છે તે કરવામાં મારા જીવનનો મોટો ભાગ વિતાવ્યો તે માટે હું અત્યંત આભારી છું. હું મારા પરિવાર, મિત્રો, જે લોકો સાથે હું ક્રિકેટ રમ્યો હતો અને અસંખ્ય લોકોનો પણ આભાર માનું છું જેમણે મારા માટે નિઃસ્વાર્થ ભાવે પ્રાર્થના કરી.