અમદાવાદ : સોમવારે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ 2023ની મેચમાં ભુવનેશ્વર કુમારે આઈપીએલમાં બે વખત 5 કે તેથી વધુ વિકેટ ઝડપનારા બે ખેલાડીઓની બરાબરી કરી છે. આઈપીએલના ઇતિહાસમાં અત્યાર સુધી માત્ર 3 ખેલાડીઓએ એક ઇનિંગ્સમાં 5થી વધુ વિકેટ લેવાની સિદ્ધિ બતાવી છે. IPLમાં જેમ્સ ફોકનર અને જયદેવ ઉનડકટ બાદ ભુવનેશ્વર કુમાર ત્રીજો આવો ખેલાડી બન્યો છે. જોકે આઈપીએલ મેચોમાં 5 વિકેટ લેવાનું કારનામું કુલ 30 વખત કરવામાં આવ્યું છે, પરંતુ માત્ર 3 ખેલાડી એવા છે જેમણે આ કારનામું એક કરતા વધુ વખત કર્યું છે.
ચાર વિકેટ લેનાર પ્રથમ ખેલાડી : ગયા વર્ષે 2022માં કોલકાતા નાઈટ રાઈડર્સનો(KKR) ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ આઈપીએલના ઇતિહાસમાં એક ઓવરમાં ચાર વિકેટ લેનાર પ્રથમ ખેલાડી બન્યો હતો. રસેલે ડીવાય પાટીલ સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ સામે છેલ્લી ઓવરમાં આ સિદ્ધિ મેળવી હતી.
હેટ્રિક લેવાનું ચૂક્યો : ગુજરાતની ઇનિંગ્સની છેલ્લી 20મી ઓવરમાં જ્યારે ભુવનેશ્વર કુમાર બોલિંગ કરવા આવ્યો ત્યારે એવું લાગતું હતું કે, ગુજરાતની ટીમ સરળતાથી 200 રનનો આંકડો પાર કરી જશે. કારણ કે 19મી ઓવરના અંતે તેનો સ્કોર 5 વિકેટે 186 રન હતો. પરંતુ ત્યાર બાદ ભુવનેશ્વરે છેલ્લી ઓવરમાં માત્ર 2 રન બનાવવા દીધા અને ગુજરાતની 4 વિકેટ પડી ગઈ. જોકે, ભુવનેશ્વર કુમાર હેટ્રિક લેવાનું ચૂકી ગયો હતો, કારણ કે સતત બે વખત આઉટ થયા બાદ ત્રીજો ખેલાડી રનઆઉટ થયો હતો.