નવી દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ પહેલા 1 જુલાઈ, શનિવારના રોજ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે મોટી જાહેરાત કરી છે. બીસીસીઆઈએ ટીમ ઈન્ડિયાના નવા લીડ સ્પોન્સર તરીકે ડ્રીમ ઈલેવનની જાહેરાત કરી છે. બીસીસીઆઈએ આગામી 3 વર્ષ માટે ડ્રીમ ઈલેવન સાથે કરાર કર્યો છે. બીસીસીઆઈની આ જાહેરાત બાદ વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ સીરીઝમાં ટીમ ઈન્ડિયાની જર્સી પર ડ્રીમ ઈલેવન જોવા મળશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ 2023 થી 2025 સમય ચક્રમાં વેસ્ટ ઈન્ડિઝ સામેની ટેસ્ટ શ્રેણીની મેચ ભારતીય ટીમની પ્રથમ મેચ હશે. હવે ડ્રીમ ઈલેવન Byjusનું સ્થાન લેશે.
BCCIના પ્રમુખે અભિનંદન પાઠવ્યા: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના પ્રમુખ રોજર બિન્નીએ ડ્રીમ ઈલેવનને ભારતીય ટીમના નવા લીડ સ્પોન્સર બનવા બદલ અભિનંદન પાઠવ્યા છે. રોજર બિન્નીએ કહ્યું કે, બોર્ડ ફરીથી ડ્રીમ ઈલેવનનું સ્વાગત કરે છે. બીસીસીઆઈના સત્તાવાર સ્પોન્સર બનવાથી લઈને હવે લીડ સ્પોન્સર બનવા સુધીની સફર શાનદાર રહી છે. હવે બીસીસીઆઈ અને ડ્રીમ ઈલેવન વચ્ચેની ભાગીદારી વધુ મજબૂત થઈ રહી છે. આ ભારતીય ક્રિકેટના વિશ્વાસ, મૂલ્ય, ક્ષમતા અને વૃદ્ધિની સાક્ષી છે.