અમદાવાદઃ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ક્રિકેટ વર્લ્ડ કપ 2023ની ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટે જીત મેળવી હતી. આ શાનદાર મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતે આપેલા 241 રનના ટાર્ગેટને 43 ઓવરમાં 4 વિકેટના નુકસાને 241 રન બનાવીને સરળતાથી હાંસલ કરી લીધો હતો.
છઠ્ઠી વખત વર્લ્ડ કપનો ખિતાબ કબજે કર્યો: આ રીતે ઓસ્ટ્રેલિયાએ રેકોર્ડ છઠ્ઠી વખત વર્લ્ડ કપનો ખિતાબ કબજે કર્યો. તે જ સમયે, ટીમ ઈન્ડિયા તેમજ 140 કરોડ દેશવાસીઓનું ચમકદાર ટ્રોફી જીતવાનું સપનું ફરી એકવાર ચકનાચૂર થઈ ગયું.
ભારતીય ટીમના ચાહકોને આશા હતી કે:ટીમ ઈન્ડિયાએ વર્તમાન વર્લ્ડ કપમાં તેની તમામ 10 મેચ જીતીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ઓસ્ટ્રેલિયા સામે રમાયેલી એકમાત્ર લીગ મેચમાં પણ તેણે 6 વિકેટે મોટી જીત નોંધાવી હતી. ભારતીય ટીમના ચાહકોને આશા હતી કે આ વખતે તેઓ નિરાશ નહીં થાય અને ભારત ત્રીજી વખત વર્લ્ડ કપ પર કબ્જો કરશે. પરંતુ, કાંગારૂઓએ ફાઈનલ મેચમાં રમતના દરેક વિભાગમાં ટીમ ઈન્ડિયા કરતા વધુ સારું પ્રદર્શન કરીને તેના ઈરાદા બગાડ્યા હતા.