- ટેસ્ટ મેચ પહેલાં બન્ને ટીમોને મોટો ઝટકો
- ભારતીય ઓલરાઉન્ડર શાર્દૂલ ઠાકુર ઈજાગ્રસ્ત
- લોર્ડસ ટેસ્ટ બ્રોડના કરિયરનો 150મો ટેસ્ટ મેચ
નવી દિલ્હી: જો કે મેચ પહેલાં બન્ને ટીમોને મોટો ઝટકો લાગી શકે છે. ભારતીય ઓલરાઉન્ડર શાર્દૂલ ઠાકુર અને ઈંગ્લેન્ડના સ્ટાર બોલર સ્ટુઅર્ટ બ્રોડ ઈજાગ્રસ્ત થઈ ગયા છે. શાર્દૂલ ઠાકુરના સ્નાયુ ખેંચાઈ ગયા છે તો બ્રોડ પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયો છે. આજે આ બન્નેનું સ્કેનિંગ થયા બાદ તેઓ રમી શકશે કે નહીં તે અંગે નિર્ણય લેવાશે. બીજી બાજુ ઈંગ્લેન્ડ ટીમે લોર્ડસ ટેસ્ટ પહેલાં ઓલરાઉન્ડર મોઈન અલીને ટીમમાં સામેલ કર્યો છે. અહેવાલો અનુસાર બ્રોડ અત્યારે ભારપૂર્વક વજન મુકી શકતો નથી. આવામાં તે શ્રેણીના બાકી મેચોમાંથી પણ બહાર થઈ શકે છે. લોર્ડસ ટેસ્ટ બ્રોડના કરિયરનો 150મો ટેસ્ટ મેચ હતો પરંતુ હવે લાગી રહ્યું છે કે આ માટે તેણે રાહ જોવી પડશે.
મોટો ઝટકો લાગી શકે છે ભારતીય ટીમને
દરમિયાન ભારતને પણ મોટો ઝટકો લાગી શકે છે કેમ કે શાર્દૂલ ઠાકુર સ્નાયુ ખેંચાઈ જવાની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. જો શાર્દૂલ લોર્ડસ ટેસ્ટમાં નહીં રમે તો તેના સ્થાને ઈશાંત શર્માને તક અપાઈ શકે છે. કોહલી પહેલાંથી જ સ્પષ્ટ કરી ચૂક્યો છે કે શ્રેણીમાં ભારત ચાર ફાસ્ટ બોલરો સાથે રમશે.
શાર્દુલ અને સિરાજની જગ્યાએ અશ્વિન અને ઇશાંત!
શાર્દુલ ઠાકુરને હેમસ્ટ્રિંગની ઈજા છે, અને તે પોતાની ઈજામાંથી કેટલો સાજો થઈ શક્યો છે, અત્યારે કંઈ સ્પષ્ટ નથી. જો શાર્દુલ ટીમની બહાર હોય તો તેની જગ્યાએ અશ્વિનની જગ્યા બનાવી શકાય છે. આ સિવાય જો અનુભવી ઝડપી બોલર ઇશાંત શર્મા પસંદગી માટે ઉપલબ્ધ હોય તો તેને ટીમમાં મોહમ્મદ સિરાજનું સ્થાન આપવામાં આવી શકે છે. અમે આ એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે ઇશાંત 2014 માં લોર્ડ્સ પર પોતાના દમ પર ભારતની જીતનો ઝંડો લહેરાવીને પ્લેયર ઓફ ધ મેચ બન્યો હતો.