લંડનઃઈંગ્લેન્ડ સુકાની બેન સ્ટોક્સના ધમાકેદાર 155 રન છતાં યજમાન ઈંગ્લેન્ડ રવિવારે અહીં લોર્ડ્સમાં બીજી એશિઝ ટેસ્ટના અંતિમ દિવસે ઓસ્ટ્રેલિયા સામે 43 રને હારી ગયું હતું. ઈંગ્લેન્ડને જીતવા માટે બીજા દાવમાં 371 રન બનાવવાના હતા, પરંતુ તેની આખી ટીમ 327 રનમાં સમેટાઈ ગઈ હતી. યજમાન ટીમે તેની છેલ્લી 4 વિકેટ માત્ર 26 રનમાં ગુમાવી દીધી હતી. ઈંગ્લેન્ડની 7મી વિકેટ બેન સ્ટોક્સના રૂપમાં 301 રન પર પડી હતી.
જોની બેયરસ્ટો વિવાદાસ્પદ રીતે આઉટ:ઇંગ્લેન્ડે છેલ્લા દિવસે 114/4ના સ્કોરથી આગળ રમવાનું શરૂ કર્યું હતું. સ્ટોક્સ અને બેન ડકેટ (83)એ 63 રન ઉમેર્યા હતા. સવારના સત્રના પ્રથમ કલાકના અંત પછી સ્ટોક્સ જોશ હેઝલવુડનો શિકાર બન્યો હતો. જોની બેયરસ્ટો વિવાદાસ્પદ સંજોગોમાં 10 રન બનાવીને રનઆઉટ થયો હતો. બાઉન્સરને ટાળતી વખતે તે ક્રિઝની બહાર ગયો અને વિકેટકીપર એલેક્સ કેરીએ તક જોઈને બોલને સ્ટમ્પ પર ફેંકી દીધો. તે સમયે ઈંગ્લેન્ડનો સ્કોર 193 રન હતો. આ પછી સ્ટોક્સે 3 શાનદાર છગ્ગા સાથે પોતાની સદી પૂરી કરી અને 9 ચોગ્ગા અને 9 છગ્ગા ફટકારીને ઈંગ્લેન્ડની બીજી મોટી જીતની આશા જીવંત રાખી હતી.