ન્યુઝ ડેસ્ક : પુર્સુલા વેંકટ સિંધુનો જન્મ પાંચમી જુલાઇ, ૧૯૯૫ના રોજ તેલંગણાના પાટનગર હૈદરાબાદમાં થયો હતો. તેના પિતાનું નામ શ્રી પી વી રમન અને તેની માતાનું નામ શ્રીમતી પી. વિજયા છે. તેનાં માતા-પિતા આંતરરાષ્ટ્રીય વોલીબોલ ખેલાડીઓ રહી ચૂક્યાં છે. તેના પિતા શ્રી રમન વોલીબોલની રમત ક્ષેત્રે તેમણે આપેલા યોગદાન બદલ અર્જુન એવોર્ડ પણ મેળવી ચૂક્યા છે. પરંતુ, તેમની પુત્રીએ ભારતના બેડમિન્ટનના દિગ્ગજ ખેલાડી પુલેલા ગોપીચંદથી પ્રભાવિત થઇને આઠ વર્ષની કુમળી વયે પોતાના હથિયાર તરીકે રેકેટ પસંદ કર્યું. તેના પ્રથમ કોચ મેહબૂબ અલી હતા, પરંતુ પછીથી તે ગોપીચંદની શિષ્યા બની અને તેમની એકેડેમી હેઠળ તાલીમ પ્રાપ્ત કરી.
રિયો ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીત્યો
૨૦૧૬માં રિયો ઓલિમ્પિક્સમાં સિલ્વર મેડલ જીતી લીધા પછી આઇસક્રીમ ખાઇને જીતની ઉજવણી કરી રહેલી સિંધુ સૌને યાદ હશે. એક રીતે જોતાં તે ફોટો તેના કોચની શિસ્તબદ્ધતા અને સિંધુએ પોતાની જાતને આપેલા વચનનું પ્રતીક છે. રિયો ઓલિમ્પિક્સની તૈયારી દરમિયાન કોચ ગોપીચંદે સિંધુ પાસેથી તેનો મોબાઇલ લઇ લીધો હતો અને તેના ચોકલેટ ખાવા ઉપર પ્રતિબંધ ફરમાવી દીધો હતો. એક રીતે જોતાં, રિયો ઓલિમ્પિક્સમાં મેડલ જીતીને સિંધુએ પોતાની આઇસક્રીમ પણ પાછી જીતી હતી. નવ વર્ષની વયે સિંધુ સવારે ત્રણ વાગ્યે ઊઠીને ઘરેથી ૫૬ કિલોમીટર દૂર આવેલી તેની એકેડેમી પર પહોંચી જતી, કારણ કે તેની તાલીમ સવારે ૪.૩૦ વાગ્યાથી શરૂ થતી. ટ્રેનિંગમાંથી તે સવારે ૮.૩૦ વાગ્યે પરત ફરતી. પછી નિશાળે જતી. નિશાળેથી છૂટ્યા પછી તે ફરી પાછી બેડમિન્ટન પ્રેક્ટિસ માટે એકેડેમીમાં જતી. વણતૂટેલી ગંભીરતા, પ્રતિબદ્ધતા અને સમર્પણનો આ સિલસિલો ઘણાં વર્ષો સુધી ચાલ્યો, જેના ફળસ્વરૂપે આખરે તેને ઓલિમ્પિક્સમાં તથા વર્લ્ડ ચેમ્પિયનશિપમાં સફળતાનો સ્વાદ ચાખવા મળ્યો અને મેડલ પોડિયમ ઉપર ભારતીય તિરંગો લહેરાયો.