મુંબઇ: 'સર્કસ' અને 'ફૌજી' બાદ હવે દૂરદર્શન બોલિવૂડ સુપરસ્ટાર શાહરૂખ ખાનના શરૂઆતના દિવસોની સીરીયલ 'દૂસરા કેવલ' ફરીથી પ્રસારણ કરવા જઈ રહ્યું છે.
દૂરદર્શન દ્વારા આ માહિતી તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર શેર કરવામાં આવી છે. અગાઉ પણ દૂરદર્શન દ્વારા લોકડાઉન દરમિયાન 'સર્કસ' અને 'ફૌજી' સિરિયલો દર્શાવવામાં આવી છે.
'દૂસરા કેવલ' એ મર્યાદિત એપિસોડની શ્રેણી છે જે વર્ષ 1989માં રજૂ થઈ હતી. શાહરૂખે આ શ્રેણીમાં કેવલ નામના યુવાનની ભૂમિકા ભજવી હતી, જે એક ગામનો છોકરો છે અને શહેરમાં જઇને ક્યારેય પાછો ફરતો નથી.
લોકડાઉનની વચ્ચે ડીડીએ 'રામાયણ', 'મહાભારત', 'શ્રીમાન શ્રીમતી', 'સર્કસ', 'વ્યોમકેશ બક્ષી' અને 'ફૌજી' જેવી ક્લાસિક સિરીયલોનું પુન:પ્રસારણ કર્યું છે.
લગભગ 3 દાયકા બાદ, 'રામાયણ' ફરી એકવાર દર્શકો સમક્ષ ટીવી સ્ક્રીન પર હાજર થયું, અને વિશ્વ પ્રખ્યાત સિરીયલ 'ગેમ ઑફ થ્રોન્સ' કરતા પણ વિશ્વમાં સૌથી વધુ વખત જોવાયેલો મનોરંજન શો બન્યો. આ વર્લ્ડ રેકોર્ડની દૂરદર્શન ચેનલે પણ તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર જાહેરાત કરી હતી.