મુંબઇ: ટીવી શો 'છોટી સરદારની'માં હરલીન કૌર ગિલ બાજવાની ભૂમિકા નિભાવી રહેલી અભિનેત્રી સિમરન સચદેવાએ દાવો કર્યો છે કે, તેના પગારમાં ઘટાડો કરવા દબાણ કરવામાં આવી રહ્યું હતું. જે બાદ તેણે આ શો છોડવાનો નિર્ણય લીધો હતો.
અહેવાલો અનુસાર સચદેવાએ કહ્યું હતું કે, "મારા માટે મારો પગાર મહત્વનો છે. ઉપરાંત નિર્માતાએ મારી સાથે અભદ્ર વર્તન કર્યું હતું. જે ખૂબ જ અપમાનજનક હતું." સિમરને કહ્યું કે લોકડાઉન પછી, તેની પાસે "છોટી સરદારની" શોમાં રહેવાનો અથવા છોડવાનો વિકલ્પ હતો, અને તેણે આ શો છોડી દેવાનો નિર્ણય કર્યો.
ટીવી એક્ટ્રેસ સિમરન સચદેવાએ સિરિયલ ‘છોટી સરદારની’માં કામ ન કરવાનો નિર્ણય લીધો છે. હવે, સિમરનના સ્થાને દૃષ્ટિ ગરેવાલ જોવા મળશે. સિમરને દાવો કર્યો હતો કે, તેની ફીમાં ઘટાડો કરવામાં આવ્યો હતો અને પ્રોડ્યૂસરે તેની સાથે ખરાબ વર્તન કર્યું હતું. આ બધા કારણોને લીધે તેણે શોમાં કામ ના કરવાનો નિર્ણય લીધો હતો.
હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં સિમરને કહ્યું હતું કે, પ્રોડ્યૂસર્સ તેની ફીમાં 40 ટકાનો ઘટાડો કરવાનું કહ્યું હતું. આ વાત તેને મંજૂર નહોતી. ભૂતકાળમાં પણ તેને પ્રોડક્શન હાઉસ સામે પેમેન્ટને લઈ વાંધો હતો. તેમને સમયસર પૈસા આપવામાં આવતા નહોતાં. આટલું જ નહીં એક પ્રોડ્યૂસરે તેની સાથે ઘણું જ ખરાબ રીતે વર્તન કર્યું હતું. તેની સાથે અપમાનજનક તથા તોછડી રીતે વાત કરવામાં આવી હતી.
સિરિયલમાં સિમરન ‘હરલીન કૌર ગીલ બાજવા’નો રોલ પ્લે કરતી હતી. તેણે કહ્યું હતું કે તેને કહેવામાં આવ્યું હતું કે લૉકડાઉન બાદ તે સિરિયલમાં જોડાવવા માગે છે કે નહીં? તેને ફી ઘટાડા સામે વાંધો હતો અને તેથી જ તેણે આ સિરિયલમાં કામ ના કરવાનો નિર્ણય લીધો. ઉલ્લેખનીય છે કે સૌ પહેલાં આ પાત્ર ટીવી એક્ટ્રેસ માનસી શર્મા પ્લે કરતી હતી. જોકે, તેની તબિયત ખરાબ થતાં તેણે આ સિરયિલ છોડવાનો નિર્ણય કર્યો હતો. માનસીના સ્થાને સિમરનને લેવામાં આવી હતી.
નોંધનીય છે કે, 19 માર્ચથી બોલિવૂડ તથા ટીવીના શૂટિંગ બંધ છે. હાલમાં જ મહારાષ્ટ્ર સરકારે ગાઈડલાઈન સાથે શૂટિંગ કરવાની પરવાનગી આપી છે. હવેથી સેટ પર તમામ લોકો માસ્ક તથા ગ્લવ્સમાં જોવા મળશે. આ ઉપરાંત સેટ પર એમ્બ્યુલન્સ, એક ડોક્ટર તથા એક નર્સની વ્યવસ્થા કરવાની છે. આટલું જ નહીં સેટ પર રોજ તમામ લોકોનું શરીરનું તાપમાન માપવામાં આવશે. 33 ટકા ક્રૂ મેમ્બર્સ સેટ પર હાજર રહી શકશે.
ઉલ્લેખનીય છે કે સિમરન સચદેવાએ મોડલ તરીકે પોતાની કરિયર શરૂ કરી હતી. તેણે આલિયા ભટ્ટની ફિલ્મ ‘રાઝી’માં નાનકડો રોલ પ્લે કર્યો હતો. આ ઉપરાંત પંજાબી ફિલ્મ ‘અપની બોલી અપના દેસ’માં પણ કામ કર્યું હતું.