નવી દિલ્હીઃ કેન્દ્રીય સૂચના અને પ્રસારણ પ્રધાન પ્રકાશ જાવડેકરે રવિવારે કોરોના વાઇરસ મહામારીના કારણે ઘણા મહિનાથી બંધ હાલતમાં રહેલી ફિલ્મ અને ટીવી પ્રોડક્શન ઇન્ડસ્ટ્રી ફરી શરૂ કરવા માટેની ઘોષણા કરી છે.
જો કે, પ્રધાને કહ્યું કે, આ સંચાલન દરમિયાન કોવિડ-19ની ગાઇડલાઇનનું પાલન ફરજિયાત રહેશે. જાવડેકરે કહ્યું કે, ‘નવું SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) મીડિયા પ્રોડક્શન માટે એક સંજીવની સાબિત થશે. સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક તેમના અંગો હશે. આ પાછળનો સામાન્ય હેતું એ છે કે, કલાકાર અને ક્રૂ મેમ્બર વચ્ચે એક સુરક્ષિત વાતાવરણ બની રહે.’
SOP શૂટિંગ સ્થળ અને કાર્યસ્થળો પર પર્યાપ્ત સોશિયલ ડિસ્ટેન્સિંગને સુનિશ્ચિત કરશે. આ સાથે જ સ્વચ્છતા, ભીડ અને સુરક્ષાત્મક ઉપકરણ માટે પ્રાથમિક ઉપાય પણ સામેલ છે.
પ્રધાને વધુમાં કહ્યું કે, આ SOPનો મૂળ સિદ્ધાંત ‘સંપર્ક શક્ય હોય એટલો ઓછો’ કરવાનો છે. SOP પ્રમાણે કોસ્ટ્યૂમ, સેટની સામગ્રી, મેકઅપ અને વિગ જેવી વસ્તુઓ એકબીજા સાથે ઓછી શેર કરવામાં આવે અને તે સમયે હાથમોજા પહેરવા.
રેકોર્ડિંગ સ્ટૂડિયો અને એડિટિંગ રૂમ જેવા સ્ટૂડિયોમાં 6 ફૂટના અંતરનું પાલન કરવાનું રહેશે. SOPમાં એવું પણ દર્શાવવામાં આવ્યું છે કે, શક્ય એટલા ઓછામાં ઓછા કલાકાર અને ક્રૂ હાજર રહે.