મુંબઈ: લોકડાઉન દરમિયાન લોકોનું મનોરંજન કરવા માટે 80 અને 90ના દાયકાની સીરિયલો દૂરદર્શન પર ફરીથી પ્રસારિત કરવામાં આવી રહી છે, ત્યારે રામાનંદ સાગરની રામાયણ અને બી.આર.ચોપરાની મહાભારતને લોકોનો પ્રેમ મળ્યો છે.
કોરોના લોકડાઉનમાં રામાયણ બાદ ટૂંક સમયમાં જ એક બીજી ઐતિહાસિક સીરિયલ ‘શ્રી કૃષ્ણ’ દૂરદર્શન પર શરૂ થવા જઈ રહી છે. 'શ્રી કૃષ્ણ'નું નિર્દેશન પણ રામાનંદ સાગરે જ કર્યું હતું. ડીડી નેશનલ દ્વારા ખુદ ટ્વીટ કરીને આ કાર્યક્રમ પ્રસારિત કરવાની માહિતી આપવામાં આવી છે.
દૂરદર્શનના એક ટ્વીટમાં પ્રેક્ષકોને માહિતી આપતા લખ્યું કે, 'સારા સમાચાર ...અમારા પ્રેક્ષકોને...! 'શ્રી કૃષ્ણ' જલ્દી આવે છે. જો કે, આ ટ્વીટમાં આ શો ક્યારે ટેલિકાસ્ટ થશે અને તેનો સમય કેવો હશે તે અંગેની માહિતી આપવામાં આવી નથી. રામાયણ અને મહાભારતનાં ટેલિકાસ્ટ પછી રામાનંદ સાગર દ્વારા બનાવવામાં આવેલી ટીવી સીરિયલ 'શ્રી કૃષ્ણ' ફરી શરૂ કરવામાં આવે તેવી સતત લોકમાંગ હતી.
લોકડાઉન દરમિયાન શરૂ થયેલા બંને રામાયણ અને મહાભારતે ટીઆરપી રેન્કિંગમાં દૂરદર્શનને ટોચ પર લાવી દીધું છે. બીઆરસીની 15મી અઠવાડિયાની ટીઆરપી રેટિંગ અનુસાર, દૂરદર્શનમાં રામાયણ અને મહાભારતનું વર્ચસ્વ તથાવત છે. હવે લોકોની ભારે માંગ બાદ ચેનલ ટૂંક સમયમાં 'શ્રી કૃષ્ણ' શરૂ કરવા જઈ રહી છે.
તમને જણાવી દઇએ કે, આ શો 1993માં દૂરદર્શનની મેટ્રો ચેનલ અને ત્યારબાદ 1996માં દૂરદર્શન પર પ્રસારિત થયો હતો. જેમાં શ્રી કૃષ્ણનો વિનોદ દર્શાવાયો હતો. શ્રી કૃષ્ણનું યુવા પાત્ર અભિનેતા સ્વપ્નીલ જોશી દ્વારા ભજવાયું હતું. બાદમાં આ ભૂમિકા સર્વદમન ડી બેનર્જી દ્વારા ભજવાઈ હતી. શ્રી કૃષ્ણની ભૂમિકાને કારણે બંને ખૂબ પ્રખ્યાત થયા હતાં.