મુંબઈ: 61 વર્ષીય અભિનેતાને કેન્સરની સારવાર માટે કોકિલાબેન ધીરૂભાઇ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલ જતા દરમિયાન મુન્ના ભાઈ MBBS સ્ટાર સંજય દત્ત બ્લૂ કુર્તા-પાયજામા પહેરેલો જોવા મળ્યો હતો. કોરોના વાયરસ માટે જરૂરી સાવચેતી રાખીને તેણે એક માસ્ક પહેર્યું હતું.
અભિનેતાએ તેમના ફેંસને તેમની તબિયતને લઇ પ્રાથના કરવા કહ્યું હતું. અભિનેતાની સાથે સંજય દત્તની પત્ની મનાયતા દત્ત, બે બહેનો પ્રિયા દત્ત અને નમ્રતા દત્ત પણ હાજર હતા.
ઉલ્લેખનીય છે કે, શનિવારના રોજ, પાણીપત અભિનેતાને શ્વાસની તકલીફ થયા બાદ તેમને લીલાવતી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ સોમવારના રોજ તેમને રજા આપવામાં આવી હતી.
સંજય દત્તે સોશિયલ મીડિયા પર લખ્યું કે, "હાય મિત્રો, હું કેટલીક તબીબી સારવાર માટે કામથી થોડો વિરામ લઈ રહ્યો છું. મારું કુટુંબ અને મિત્રો મારી સાથે છે અને હું મારા શુભેચ્છકોને વિનંતી કરું છું કે, તે ચિંતા ન કરે. તમારા પ્રેમ અને શુભેચ્છાઓ સાથે, હું ટૂંક સમયમાં પાછો ફરીશ! "