મુંબઇ: કોરોના વાઇરસના કારણે કરવામાં આવેલા લોકડાઉ દરમિયાન બોલીવુડ અભિનેતા સોનુ સૂદે હજારો મજૂરોને તેમના ઘર સુધી પહોંચવામાં મદદ કરી હતી. જે બાદ લોકોએ તેમને ભગવાનનો દરજ્જો આપવાનું શરૂ કર્યું. દરેક વ્યક્તિએ પોત-પોતાની રીતે મદદ માટે અભિનેતાનો આભાર માન્યો હતો.
આ દરમિયાન એક પરપ્રાંતિય મજૂર પ્રશાંત કુમારે પણ સોનુ પ્રત્યે આભાર વ્યકત કર્યો છે. ઓરિસ્સાના કેંદ્રપાડાના રહેવાસી પ્રશાંતે હવે એક વેલ્ડિંગ વર્કશોપ ખોલી છે. તેનું નામ તેને સોનુ સૂદ વેલ્ડિંગ શોપ રાખ્યું છે.
32 વર્ષનો પ્રશાંત કોચિ એરપોર્ટ નજીકની એક કંપનીમાં પ્લમ્બરની નોકરી કરતો હતો. લોકડાઉન દરમિયાન તે બેરોજગાર બની ગયો હતો. આ સમય દરમિયાન તેના બચત કરેલા પૈસા પણ પૂરા થઇ ગયા હતા. તે પછી પ્રશાંતે એક ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે શ્રમિક સ્પેશિયલ ટ્રેનમાં પણ સીટ નહીં લઈ શક્યો. ત્યારબાદ આ મુશ્કેલ સમયમાં સોનુએ તેની મદદ કરી અને 29મી મેના રોજ તે સ્પેશિયલ ફલાઇટ દ્વારા કેરળથી પોતાના ઘરે ઓરિસ્સા પહોંચ્યો હતા.
જ્યારે સોનુને આ વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે જણાવ્યું કે ઘરે પાછા ગયા પછી પ્રશાંતે દુકાનનું નામ અને તેનો ફોટો યૂઝ કરવાની પરવાનગી માંગી હતી. જેના પર અભિનેતાએ કહ્યું કે, મેં ઘણી બ્રાન્ડની જાહેરાત કરી છે. પરંતુ આ એક દમ અલગ છે અને મારા દિલની ખૂબ નજીક છે. જ્યારે પણ હું ઓરિસ્સા જઇશ, ત્યારે હું પ્રશાંતની દુકાન પર પણ જઇશ અને વેલ્ડિંગ કરવાનો પ્રયત્ન કરીશ.
ઉલ્લેખનીય છે કે સોનુએ તાજેતરમાં જ મુંબઈ પોલીસને 25 હજાર ફેસશિલ્ડ દાન કર્યા છે. તે આ મુશ્કેલ સમયમાં લોકોને દરેક રીતે સતત મદદ કરી રહયો છે.