ફિલ્મ ‘આર્ટિકલ-15’ને કર મુક્ત કરવાની જાહેર હિતની અરજી હાઇકોર્ટે ફગાવી - high courte
અમદાવાદ: દેશમાં રહેલા જાતિવાદ અને સામાજિક કટ્ટરવાદ જેવા દુષણોને નાબૂદ કરવાનો સંદેશો આપતી ફિલ્મ ‘આર્ટીકલ-15’ને રાજ્યમાં કર મુક્ત કરવાની માગ સાથે હાઇકોર્ટમાં દાખલ કરાયેલી જાહેર હિતની અરજીને કાર્યકારી ચીફ જસ્ટિસ અનંત દવે અને બિરેન વૈષ્ણવની ખંડપીઠે ફગાવી દીધી છે.
આર્ટિકલ-15ને કર મુક્ત કરવાની માગ સાથે દાખલ કરાયેલી જાહેરહિતની અરજીને ફગાવતા હાઇકોર્ટે અવલોકન કરતા જણાવ્યું હતું કે, બંધારણના આર્ટિકલ 226 હેઠળ જાહેરહિતની અરજીની સુનાવણી કરવામાં આવે છે. પરંતુ કોઈ ફિલ્મને મનોરંજન કરમાંથી રાહત આપવી કે મુક્ત કરવાની સત્તા હાઇકોર્ટ પાસે ન હોવાથી અરજીને ફગાવી દેવામાં આવી છે.
રાજ્યમાં ફિલ્મ આર્ટિકલ-15ને મનોરંજન કરમાંથી મુક્તિ અંગે જાહેરહિતની અરજી દાખલ કરનારા અરજદાર રત્ના વોરાએ દલીલ કરી હતી કે, ફિલ્મમાં રાષ્ટ્રને સર્વપરી રાખીને કોઈપણ ધર્મ, જાતિ, રંગરૂપ સહિતને આધાર રાખીને ભેદભાવ ન થવો જોઈએ એવું દર્શાવવામાં આવ્યું છે. અગાઉ પણ સામાજિક અને રાષ્ટ્રહિત ધરાવતી કેટલીક હિન્દી અને ગુજરાતી ફિલ્મોને કર મુક્ત કરવામાં આવી છે. ત્યારે બંધારણની આત્મા એટલે કે, રાષ્ટ્રને સર્વપરીનો સંદેશો આપનાર ફિલ્મને મનોરંજન કરમાંથી મુક્તિ આપવામાં આવે.
અરજદારે વધુમાં જણાવ્યું કે, ફિલ્મ આર્ટિકલ 15ને કેટલાક અખબાર, મીડિયા ચેનલ અને નામાંકિત નિર્દેશકો દ્વારા પણ 4 થી 5 સ્ટાર આપવામાં આવ્યા છે. જેથી ફિલ્મની લોકપ્રિયતા અને સામાજિક સંદેશનો અંદાજ લગાવી શકાય છે. ઉલ્લેખનીય છે કે, બંધારણના અનુચ્છેદ -15ને આધાર રાખીને નિર્દેશક અનુભવ સિન્હા દ્વારા ફિલ્મ આર્ટિકલ-15 બનાવવામાં આવી છે. જેમાં ધર્મ,જાતિ, રંગરૂપ, સહિતને ધ્યાનમાં રાખીને કરવામાં આવતા ભેદભાવને દર્શાવવામાં આવ્યો છે અને આવું ન થવું જોઈએ તેવો સંદેશ આપવામાં આવ્યો છે. ફિલ્મમાં કેટલીક વાસ્તવિક ઘટનાઓ જેમ કે, વર્ષ 2014માં બદાઉ ગેંગરેપ-હત્યા, ઉનાકાંડ અને મોબ લિંચિંગ સાહિતની ઘટનાઓનો સમાવેશ કરવામાં આવી છે.
વધુ માહિતી મુજબ, ગત 28 મે ના રોજ બ્રાહ્મણ સમાજના વિરોધ હોવા છતાં ફિલ્મને રિલીઝ કરાઈ હતી. અભિનેતા આયુષ્માન ખુરાના અને અભિનેત્રી ઈશા તલવાર મુખ્ય ભૂમિકા ભજવી છે.
અમદાવાદથી રિપોર્ટર આકિબ છીપાનો વિશેષ અહેવાલ