મુંબઈ: ફિલ્મ 'કેસરી'ના લોકપ્રિય ગીત ‘તેરી મિટ્ટી’ ના સર્જક મનોજ મુંતાશિરે ટ્વીટર પર નેપોટિઝમને લઈને મહત્વપૂર્ણ નિવેદન આપ્યું છે. તેમણે ટ્વીટર પર જણાવ્યું છે કે, "પ્રતિભાવાન લોકોએ ચોક્કસપણે મુંબઈ આવી પોતાનું નસીબ અજમાવવું જોઈએ
જો તમે નેપોટિઝમથી ડરીને ઘરે બેસી જશો તો વંશવાદની જીત થશે. જો તમારામાં હિંમત અને પ્રતિભા હશે તો નેપોટિઝમ તમારું કંઈ બગાડી નહી શકે."
જો કે તેની આ વાતથી ઘણા લોકો સંમત નથી થયા. એક યુઝરે તેને ટ્વીટમાં જણાવ્યું, “જો સામાન્ય માણસ માટે આ વાત એટલી જ સરળ હોત તો નવાઝ અને ઇરફાન ખાન જેવા કલાકારોને મુખ્ય ભૂમિકાઓ મેળવવામાં સંઘર્ષ ન કરવો પડ્યો હોત.”
અન્ય યુઝરે લખ્યું, “આ એક કળણ જેવું છે જેમાં સૌ કોઈ ડૂબશે. જો આટલા વર્ષોની કારકિર્દી બાદ પણ સોનુ નિગમ જેવા ગાયકો દુઃખી હોય તો પછી લોક સંગીતથી ખુશ રહેવું જ સારુ છે. તમારે યાદ રાખવું જોઈએ કે સુશાંત સિંહ રાજપૂતે પણ સાહસ કર્યુ હતું.”