મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી તાપસી પન્નુ સોશિયલ મીડિયા દ્વારા અલગ-અલગ મુદ્દાઓ પર પોતાના વિચારો જાહેર કરતી રહે છે. પરંતુ આ વખતે તેણે તેના ધરખમ વીજબિલ ને લઈને સોશિયલ મીડિયા પર પોતાનો આક્રોશ ઠાલવ્યો હતો.
સામાન્ય માણસોને વીજબિલ અંગે અવારનવાર ફરિયાદો રહેતી જ હોય છે. ખૂબ જ ઓછો વપરાશ હોવા છતાં પણ લોકોને લાખો રૂપિયાના વીજબિલ આવી રહ્યા છે ત્યારે તાપસી જેવી સ્ટાર પણ આ વિશે ફરિયાદ કરી રહી છે.
તેણે ટ્વિટર પર લખ્યું, “લોકડાઉન દરમિયાન મારા ઘરમાં મેં એવું તો કયું સાધન વાપર્યું હતું કે, જેના લીધે મારું વીજબિલ આટલું વધારે આવ્યું છે?" તાપસીએ અદાણી ઈલેક્ટ્રીસીટી મુંબઈને ટેગ કરી લેવાતા ચાર્જ અંગે પૂછ્યું હતું.
અન્ય એક ટ્વીટમાં તાપસીએ જણાવ્યું હતું કે "આ બિલ એવા ઘરનું છે કે જ્યાં કોઈ રહેતું નથી. તે બંધ હાલતમાં હોવાથી તેની સાચવણી માટે સાફસફાઈ કરવા ફક્ત એક વાર જવું પડતું હોય છે. "
"મને ચિંતા એ વાતની થાય છે કે મારી જાણ બહાર મારો ફ્લેટ કોઈ વાપરી રહ્યું ન હોય ."