પટણા: જાણીતા અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે મુંબઈ સ્થિત તેમના નિવાસસ્થાને ગળે ફાંસો ખાઇ આત્મહત્યા કરી લીધી છે. આ સમાચાર બાદથી પટણામાં તેમના રાજીવનગર નિવાસસ્થાને શોકનો વાતાવરણ સર્જાયો હતો. આ સમાચાર બાદ સિનેમા જગતમાં શોકનું મોજુ છે. સુશાંતના પરિવારે આરોપ લગાવ્યો છે કે તેની હત્યા કરવામાં આવી છે. સંબંધીઓએ CBI તપાસની માંગ કરી છે.
સુશાંતના મામા આરસી સિંહે જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રમાં તેના ભત્રીજાની હત્યા કરવામાં આવી છે, તેઓએ આ અંગે CBI તપાસની માગ કરી છે.
સુશાંતસિંહ રાજપૂતના સબંધીઓ પટનાના રાજીવનગરમાં રહે છે. સુશાંતસિંહ રાજપૂતની આત્મહત્યાના સમાચાર મળતા જ લોકોના ટોળા તેમના ઘર બહાર એકઠા થઇ ગયા હતા. તેના પિતા હાલમાં કંઇ બોલવાની સ્થિતિમાં નથી. સુશાંતસિંહ રાજપૂત પટનાના રાજીવનગરનો રહેવાસી હતો. સુશાંતના ઘરનું નામ ભૂષણ હતું.
અભિનેતા સુશાંત સિંહ રાજપૂતે મુંબઈના બાંદ્રામાં આવેલી તેના ઘરમાં ફાંસી ખાઇને આત્મહત્યા કરી હતી. આ મામલાની તપાસ માટે મહારાષ્ટ્ર પોલીસ તેના ઘરે પહોંચી ગઈ છે. અભિનેતાના નોકરે આ માહિતી પોલીસને આપી હતી. જોકે આત્મહત્યા પાછળનું કારણ હજુ સુધી સ્પષ્ટ થયું નથી.જોકે કહેવામાં આવી રહ્યું છે સુશાંત મહિનાઓથી ડિપ્રેશનથી પીડાઈ રહ્યો હતો.
મહત્વનું છે કે પવિત્ર રિશ્તામાં કામ કરતી તેની કો સ્ટાર અને અભિનેત્રી અંકિતા લોખંડે સાથે તેનું રિલેશન પણ જગ જાહેર હતું. પરંતુ થોડા વર્ષો બાદ બન્નેના સંબંધમાં તિરાડ પડી અને બંન્ને અલગ થઈ ગયા હતા.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયમાં બોલિવૂડની અનેક હસ્તીઓએ આ દુનિયાને અલવિદા કહી દીધી છે. ઇરફાન ખાન અને ઋષિ કપૂર જેવા દિગ્ગજ કલાકારોનું એપ્રિલ મહિનામાં અવસાન થયું. તાજેતરમાં જ ગાયક અને સંગીતકાર સંગીતકાર વાજિદ ખાનનું 42 વર્ષની વયે અવસાન થયું છે. આ સિવાય વરિષ્ઠ ગીતકાર યોગેશ ગૌરે પણ ગયા મહિને આ દુનિયાને અલવિદા કહી દીધી હતી.