મુંબઈ: સુશાંતસિંહ રાજપૂતના નિધનથી સમગ્ર દેશમાં દુઃખ અને આઘાતની લાગણી છવાઈ છે. ત્યારે આવામાં કંગના રનૌત સહિત અનેક બોલિવૂડ સેલેબ્સ દ્વારા ફિલ્મ ઇન્ડસ્ટ્રીને સુશાંતના અંત માટે જવાબદાર ઠેરવવામાં આવી રહી છે.
કંગના રનૌતે તેના સોશિયલ મીડિયા પર વીડિયો મૂકી નેપોટિઝમને બોલિવૂડમાં ફિલ્મી બેકગ્રાઉન્ડ ન ધરાવતા કલાકારોની બેરોજગારી માટે જવાબદાર ગણાવ્યું હતું. સ્ટાર સંતાનોને લીધે આવા કલાકારોને કામ કરવાની તક ઝૂંટવાઈ જતી હોવાના આક્ષેપ કર્યા હતા.
ભારતની સ્ટાર મહિલા પહેલવાન બબીતા ફોગાટે સુશાંત સિંહ રાજપૂતના નિધનના પગલે કરણ જોહર પર પોતાનો આક્રોશ ઠાલવ્યો છે. તેણે જણાવ્યું છે કે, “ફિલ્મ ઇન્ડસ્ટ્રી કરણ જોહરની બાપની છે કે શું? તેને જડબાતોડ જવાબ કેમ અપાતો નથી?”
“કંગનાની વાત સાથે હું સંમત છું. જે લોકો નાના શહેરોમાંથી આવતા હોય છે તેમની સાથે ત્યાં ભેદભાવ થાય છે જે ન થવું જોઈએ. ફિલ્મ ઇન્ડસ્ટ્રી કોઈની બાપની નથી. ભાઈ ભત્રીજાવાદ બોલીવૂડની સૌથી મોટી બીમારી છે જેને મે પોતે ઘણી નજીકથી જોઈ છે. ”
“હવે સમય આવી ગયો છે કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી ચોક્કસ પરિવારોના કબ્જામાંથી મુક્ત થાય અને સૌ દેશવાસીઓ એકઠા થઇ ભાઈ ભત્રીજાવાદ વાળી ફિલ્મોનો બહિષ્કાર કરે, નહી તો કોણ જાણે કેટલાય નાના શહેરના કલાકારોએ તેની કિંમત ચૂકવવી પડશે.”
આ કરણ જોહર કોણ છે? તેણે ઇન્ડસ્ટ્રીમાં શું ગંદકી ફેલાવી છે? તેને તો કંગના જ જવાબ આપી શકે છે, તેની તમામ ફિલ્મો બોયકોટ થવી જોઈએ. અત્યારે આપણે સુશાંત જેવા ઉમદા અભિનેતાને ગુમાવ્યો છે. કોણ જાણે આગળ આવા કેટલા કલાકારો ગુમાવિશું, આપણે જાગૃત થઇએ તો આ તમામને પાઠ ભણાવી શકીશું."