મુંબઈઃ સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં કરણ જોહરના ધર્મા પ્રોડક્શનના સીઈઓ અપૂર્વ મહેતાની અંબોલી પોલીસ સ્ટેશનમાં લગભગ 3 કલાક પૂછપરછ કરવામાં આવી હતી. આ કિસ્સામાં, અત્યાર સુધીમાં લગભગ 40 લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા છે.
મુંબઈ પોલીસે રવિવારે આ મામલે અપૂર્વને સમન્સ પાઠવ્યું હતું અને આજે લગભગ 3 કલાક તેમની પૂછપરછ કરવામાં આવી હતી. સોમવારે પોલીસે સાંતાક્રુઝ પોલીસ સ્ટેશનમાં ફિલ્મ નિર્માતા મહેશ ભટ્ટની લગભગ 2 કલાક પૂછપરછ કરી હતી.
આ કેસમાં હજુ સુધી આશરે 40 લોકોની પૂછપરછ કરવામાં આવી છે. જેમાં સંજય લીલા ભણસાલી, શેખર કપૂર, સંજના સાંઘી, મુકેશ છાબરા, તમામ દિગ્દર્શકો અને ફિલ્મ જગત સાથે સંકળાયેલા લોકોની પૂછપરછ કરવામાં આવી છે.
રવિવારે મહારાષ્ટ્રના ગૃહપ્રધાન અનિલ દેશમુખે કહ્યું હતું કે, "મહેશ ભટ્ટનું નિવેદન એક-બે દિવસમાં લેવામાં આવશે. સીઆરપીસી હેઠળ કંગના રનૌતને સમન પણ મોકલવામાં આવ્યું છે. જેની જરૂર પડશે તેને બોલાવવામાં આવશે."
સુશાંત સિંહ રાજપૂત 14 જૂનના રોજ તેમના મુંબઈના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. તેમણે આત્મહત્યા કરી હોવાનું પોસ્ટમોર્ટમ અને વિસરા રિપોર્ટમાં સ્પષ્ટ થઈ ગયું છે. તેમજ પોલીસ તપાસમાં તેઓ ડિપ્રેશનમાં હોવાનું બહાર આવ્યું છે. હવે સવાલ એ છે કે અભિનેચતા ડિપ્રેશનમાં કેમ હતા ?