ચેન્નઈઃ તમિલ સુપરસ્ટાર સૂર્યાની નવી ફિલ્મ માટે હિરોઇનની પુષ્ટિ થઈ ગઈ છે. હિટમેકર હરિ નિર્દેશિત 'અરુવા' ફિલ્મમાં સૂર્યાની સામે લીડ રોલમાં એકટ્રેસ રાશી ખન્ના જોવા મળશે.
મળતી માહિતી મુજબ આ ખબરની પુષ્ટી ખુદ રાશી ખન્નાએ કરી છે. તેમજ સોશિયલ મીડિયામા્ં ફેન્સ દ્વારા પુછાયેલા સવાલોના જવાબ પણ રાશીએ આપ્યાં છે.
જ્યારે રાશીને એક ચાહકે પૂછ્યું કે, તે કઈ નવી ફિલ્મો લઈને આવી રહી છે, ત્યારે રાશીએ તેના જવાબમાં લખ્યું હતુ, 'અરમનાઈ 3 અને હરી સરના નિર્દેશન હેઠળ બનતી સુર્યા સર સાથેની એક તમિલ ફિલ્મ... લોકડાઉન બાદ તેલુગુમાં કરવાના બે પ્રોજેક્ટ અંગે જાણકારી આપીશ.'
'અરુવા' સૌથી પ્રતિક્ષિત તમિલ ફિલ્મોમાંની એક છે, કારણ કે આ ફિલ્મમાંં સુર્યા અને હરી ફરી એકવાર સાથે કામ કરી રહ્યાં છે. અભિનેતા અને નિર્દેશકની આ જોડી બ્લોકબસ્ટર પોલીસ એક્શન ફ્રૈચાઈજી 'સિંઘમ', 'સિંઘમ 2' અને 'સિંઘમ 3' માં એકસાથે જોવા મળ્યાં હતાં.
અગાઉ તેમણે સુપરહિટ ફિલ્મ 'આરુ' અને 'વેલ' માં પણ સાથે કામ કર્યું હતુ. આમ, 'અરુવા' એ હરિ સાથેની સૂર્યાની છઠ્ઠી ફિલ્મ છે.