મુંબઇ: ભાજપના રાજ્યસભાના સાંસદ સુબ્રમણ્યમ સ્વામીએ સુશાંત સિંહ રાજપૂતની રહસ્યમય આત્મહત્યાની તપાસ CBIને આપવાના આદેશ માટે સુપ્રીમ કોર્ટની સરાહના કરી છે. સ્વામીએ ટ્વિટર કરી લખ્યું કે, " CBI જય હો".
સુપ્રીમ કોર્ટે બુધવારના રોજ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતનાં મોતની તપાસ સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશન (સીબીઆઈ)ને આપવાનો આદેશ આપ્યો છે. ઉપરાંત, કોર્ટે મુંબઇ પોલીસને આ મામલામાં ભેગા થયેલા તમામ પૂરાવા સેન્ટ્રલ બ્યૂરો ઓફ ઇન્વેસ્ટિગેશનને સોંપવા જણાવ્યું છે.
ન્યાયાધીશ હિષિકેશ રોયે કહ્યું કે, સીબીઆઈ માત્ર પટણામાં નોંધાયેલી એફઆઈઆર જ નહીં, પરંતુ કેસ સાથે સંબંધિત અન્ય કોઈપણ એફઆઈઆરની પણ તપાસ કરી શકશે.
સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે, સુશાંત સિંહ રાજપૂતની મૃત્યુના સંબંધમાં મુંબઈ પોલીસે ફક્ત એક આકસ્મિક મૃત્યુની રિપોર્ટ દાખલ કરી હતી, તેથી તેની પાસે તપાસની મર્યાદિત શક્તિઓ છે. જ્યારે બિહાર પોલીસે દાખલ કરેલો કેસ પૂર્ણ એફઆઈઆર છે, તે પહેલાથી જ સીબીઆઈને મોકલી દેવામાં આવ્યો છે.
સર્વોચ્ચ અદાલતે ભારપૂર્વક જણાવ્યું હતું કે, કોર્ટે આ મામલે તપાસ કરવાનો આદેશ આપ્યો છે, તેથી મહારાષ્ટ્ર સરકારે આ આદેશનું પાલન કરવું જોઈએ અને સહાય પણ કરવી જોઈએ. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, સીબીઆઈને જરૂર પડે તો નવો કેસ દાખલ કરવા માટે સ્વતંત્ર છે.
ઉલ્લેખનીય છે કે, સ્વામીએ 16 ઓગસ્ટના રોજ બોલિવૂડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોતને હત્યા ગણાવી હતી.