મુંબઈઃ સુશાંત અને તેની પૂર્વ મેનેજર દિશા સાલિયાનના મોત મામલે સૂરજ પંચોલીને લઈને અનેક અફવાઓ સામે આવી છે. આ મુદ્દે સૂરજ પંચોલીએ વર્સોવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. 7 પેજની ફરિયાદમાં સૂરજે તેની સામે બનાવટી સમાચાર પ્રસારિત કરીને માનસિક ત્રાસ આપવાનો આરોપ લગાવ્યો છે.
સૂરજે પોતાની ફરિયાદમાં કહ્યું છે કે, કેટલાક મીડિયા હાઉસ તેમની તપાસ કર્યા વિના તેમના વિશે ઘણા સમાચારો ચલાવી રહ્યાં છે, જે દિશા સાલિયાન અને સુશાંત સિંહ રાજપૂતની મૃત્યુ સાથે સંબંધિત છે. આ રીતે તેણે કેટલાક મીડિયા હાઉસ અને યુ-ટ્યુબર્સના નામનો ઉલ્લેખ કર્યો છે, જે અભિનેતા વિશે ખોટા સમાચાર ફેલાવી રહ્યાં છે.
સૂરજે કહ્યું છે કે, મીડિયા જે રીતે બનાવટી સમાચાર પ્રસારિત કરે છે, તે અયોગ્ય છે. અભિનેતાનું કહેવું છે કે, તે દિશાને ક્યારેય મળ્યો નથી. તેના નામને બે મોત સાથે જોડવાનું કાવતરું ઇન્ટરનેટ પર દરેક જગ્યાએ ચાલે છે, જે સંપૂર્ણ પાયાવિહોણું છે.
એક ઇન્ટરવ્યુ દરમિયાન સૂરજે તેના સંઘર્ષ વિશે વાત કરી હતી. જેનો સામનો ઈન્ડસ્ટ્રીમાં પ્રવેશ કર્યા બાદથી સામનો કરી રહ્યાં છે. સૂરજને લાગે છે કે લોકો આવા કાવતરાં કરીને તેને બરબાદ કરવા માગે છે.
તેણે કહ્યું કે, 'સુશાંતે આત્મહત્યા કરી છે કે નહીં તે મને ખબર નથી. હું નથી જાણતો. પરંતુ હું કહેવા માંગુ છું કે આ લોકો મને આત્મહત્યા કરવા માટે ઉશ્કેરવાનો પ્રયત્ન કરશે.' સૂરજ પંચોલીનું નામ છેલ્લા 7 વર્ષથી પૂર્વ ગર્લફ્રેન્ડ જિયા ખાન (2013)ના મોતને લઈને કાનૂની લડાઇમાં આવી રહ્યું છે. જીયાની માતાએ સૂરજ સામે ફરિયાદ નોંધાવી હતી.