મુંબઇ : બૉલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસમાં મુંબઇ પોલીસ કેસની તપાસમાં લાગી છે. ત્યારે સુશાંતના ચાહકો અને પરિવારજનો પણ સતત આ કેસમાં સીબીઆઈ તપાસની માંગ કરી રહ્યા છે.
ત્યારે સુશાંતની ગર્લફેન્ડ રિયા ચક્રવતીએ પણ ગૃહપ્રધાન અમિત શાહને એક પોસ્ટ લખીને નિવેદન કર્યું છે કે, આ મામલે સીબીઆઇ તપાસ કરવામાં આવે. પોસ્ટમાં તેણે પોતાને સુશાંતની ગર્લફ્રેન્ડ તરીકે સંબોધન કર્યું છે.
રિયાએ પોતાના સોશિયલ મીડિયા પર સુશાંતની તસવીર શેર કરતા લખ્યું કે, 'હું સુશાંત સિંહ રાજપૂતની ગર્લફેન્ડ રિયા ચક્રવતી છું. તેમના અચાનક નિધનથી એક મહિના જેટલો સમય થઇ ગયો છે. મને સરકાર પર પૂરો વિશ્વાસ છે. હાલ હું ન્યાયના હિતમાં હાથ જોડીને તમને વિંનતી કરૂ છું કે, આ મામલે સીબીઆઇ તપાસ શરૂ કરવામાં આવે. હું માત્ર એટલું જ સમજવા માગુ છું કે, કઇ વાતને લઇને સુશાંતે આ પગલું ભર્યું. સાદર, રિયા ચક્રવર્તી.'
હવે આ મામલે અભિનેતા શેખર કપુરની પણ પ્રતિક્રિયા આવી છે. જેઓ આ મામલામાં લાંબા સમયથી સીબીઆઈ તપાસની વિનંતી કરી રહ્યા છે. શેખરે પણ એક પોર્ટલ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, આ સારા સમાચાર છે કે, સુશાંતના નજીકના લોકો પણ ધીરે ધીરે આ મામલે તપાસની માંગ કરવા સામે આવ્યા છે. મને લાગે છે કે આના કારણે આપણો કેસ બહુ મજબૂત બની શકે છે, આપણે તે દિશામાં આગળ વધી શકીએ છીએ, જે આપણે વિચારી રહ્યા હતા.
શેખરે કહ્યું કે, તે પોલીસની તપાસ બાબતે કોઇ સવાલ ઉઠાવતા નથી. પરંતુ આ કેસમાં જે રીતની બાબતો બની છે, તેનાથી ફક્ત મારા કે, બે-ત્રણ લોકો જ નહીં પણ લાખો લોકોના મનમાં અનેક સવાલો ઉભા થયા છે. સુશાંતના લાખો ચાહકો ઇચ્છે છે કે સીબીઆઈ આ મામલાની તપાસ કરે. જેથી આ કેસમાં ચાલી રહેલી તમામ પ્રકારની અફવાઓ રોકી શકાય.
તેમણે આગળ કહ્યું કે, લોકોના મનમાં આ બાબતને લઇને ઘણી શંકા છે. કોઇ પાસે પાકા પુરાવા નથી. તેથી આ મામલે સીબીઆઈ તપાસની જરૂર છે. કદાચ હું ખોટો છું અથવા લાખો લોકો ખોટા છે. પરંતુ તે સુસાઇડ જેવું લાગે છે, આ મામલે તપાસ થવી જોઇએ.