મુંબઇ: 'કૌન બનેગા કરોડપતિ 11' માં 'રામાયણ' પ્રશ્નના સવાલનો જવાબ ન આવડવા બદલ સોનાક્ષી ઘણીવાર ટ્રોલ થઈ છે. આવા સમયે તેના પિતા શત્રુઘ્ન સિન્હાએ દીકરીના બચાવમાં અવાજ ઉઠાવ્યો છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં ખૂબ ટ્રોલ થયા બાદ તાજેતરમાં જ મુકેશ ખન્નાએ મહાકાવ્યની અપુરતી જાણકારી બદલ 'દબંગ' અભિનેત્રી પર નિશાન સાધ્યું હતું.
'રામાયણ' અને 'મહાભારત' સિરિયલના ટેલીકાસ્ટ પર ખુશી વ્યક્ત કરતાં મુકેશ ખન્નાએ સોનાક્ષી પર કટાક્ષ કર્યો હતો. તેનું ઉદાહરણ આપતા મુકેશે કહ્યું કે, ઐતિહાસિક સિરિયલો દેશના લોકોને પૌરાણિક કથાઓ અને ઈતિહાસ વિષે જાણકારી આપશે. આ વિવાદ પર સોનાક્ષીએ કંઇ પ્રતિસાદ આપ્યો ન હતો, પરંતુ તેના પિતાએ આ અંગે જવાબ આપ્યો હતો.
અભિનેત્રીના પિતાએ મુકેશને જવાબ આપતા કહ્યું, મને લાગે છે કે, સોનાક્ષીએ રામાયણના પ્રશ્નના જવાબ આપ્યા નહિ તે વાતની ચીડ છે. પહેલા તો તેમને રામાયણને જાણતા હોવાની ડિગ્રી કોણે આપી? અને તેમને હિન્દુ ધર્મના આશ્રયદાતા કોણે બનાવ્યા?
'કાલિચરણ' અભિનેતાએ કહ્યું કે, સોનાક્ષી એવી દીકરી છે કે, જેના પિતાને તેના પર ગર્વ થાય. તેને કોઈના પ્રમાણપત્રની જરૂર નથી.
શત્રુઘ્ન સિન્હાએ જણાવ્યું હતું કે, મને મારા ત્રણ બાળકો પર ખૂબ ગર્વ છે. સોનાક્ષી પોતે એક સ્ટાર બની ગઈ છે. મેં તેની કારકિર્દી ક્યારેય શરૂ કરી નથી. સોનાક્ષી એ પ્રકારની પુત્રી છે કે, જેનો કોઈપણ પિતાને ગર્વ થાય. રામાયણના સવાલનો જવાબ ન આપીને તે ઓછી હિન્દુ બની જતી નથી. તેને કોઈની પાસેથી પ્રમાણપત્ર લેવાની જરૂર નથી.