- હિન્દી સિનેમાના દિગ્ગજ અને પ્રખ્યાત ફિલ્મકાર યશ ચોપરાનો આજે જન્મદિવસ
- યશ ચોપરાનો જન્મ 27 સપ્ટેમ્બર 1932ના દિવસે પાકિસ્તાનના લાહોરમાં થયો હતો
- તેમની દરેક ફિલ્મોમાં વિશેષ સ્ટોરી હતી, જે હંમેશા ચર્ચાનો વિષય રહેતી હતી
નવી દિલ્હીઃ હિન્દી સિનેમાના દિગ્ગજ અને પ્રખ્યાત ફિલ્મકાર યશ ચોપરાનો જન્મ 27 સપ્ટેમ્બર 1932ના દિવસે પાકિસ્તાનના લાહોરમાં થયો હતો. તેમને હિન્દી સિનેમાના 'કિંગ ઓફ રોમાન્સ' કહેવામાં આવે છે. યશ ચોપરા રોમેન્ટિક ફિલ્મો બનાવવા માટે પ્રખ્યાત હતા. તેમની દરેક ફિલ્મોમાં વિશેષ સ્ટોરી હતી, જે હંમેશા ચર્ચાનો વિષય રહેતી હતી. યશ ચોપરાએ હિન્દી સિનેમામાં અનેક પ્રયોગ કર્યા, જેને હંમેશા યાદ રાખવામાં આવશે.
યશ ચોપરાએ વર્ષ 1959માં પોતાના ભાઈના બેનર હેઠળ બનેલી ફિલ્મ 'ધૂલ કા ફૂલ'થી કારકિર્દી શરૂ કરી હતી
યશ ચોપરા સિનેમાના પ્રખ્યાત ફિલ્મમેકર બી. આર. ચોપરાના ભાઈ હતા. બી. આર. ચોપરાએ પણ તેમના જમાનામાં અનેક શાનદાર ફિલ્મોનું નિર્દેશન કર્યું હતું. તો નિર્દેશક તરીકે યશ ચોપરાએ સિનેમામાં પોતાની કારકિર્દીની શરૂઆત વર્ષ 1959માં પોતાના ભાઈના બેનર હેઠળ બનેલી ફિલ્મ 'ધૂલ કા ફૂલ'થી કરી હતી. પછી વર્ષ 1961માં યશ ચોપરાએ ફિલ્મ 'ધર્મ પુત્ર'નું નિર્દેશન કર્યું હતું. યશ રાજ બોલિવુડના પહેલા નિર્દેશક છે, જેમણે મલ્ટિસ્ટારર ફિલ્મો બનાવવાનું ચલણ શરૂ કર્યું હતું.
યશ ચોપરાએ વર્ષ 1969માં ગીતો વગરની ફિલ્મ 'ઈત્તેફાક' બનાવી પ્રયોગ કર્યો હતો
બોલીવુડની પહેલી મલ્ટિસ્ટારર કહેવાતી ફિલ્મ 'વક્ત'નું નિર્દેશન યશ ચોપરાએ કર્યું હતું. સિનેમામાં તેમનો આ પહેલો પ્રયોગ હતો, જે સફળ સાબિત થયો હત. ફિલ્મ 'વક્ત' પડદા પર હિટ સાબિત થઈ હતી. ત્યારબાદ યશ ચોપરાએ વધુ એક પ્રયોગ કર્યો હતો. જે સમયે ગીતોથી ફિલ્મો ચાલતી હતી. તે સમયે વર્ષ 1969માં યશ ચોપરાએ ફિલ્મ 'ઈત્તેફાક' બનાવી હતી. રસપ્રદ વાત એ છે કે, રાજેશ ખન્ના અને નંદાની જોડીવાળી સસ્પેન્સ થ્રિલર આ ફિલ્મમાં કોઈ ગીત નહતું. તેમ છતાં આ ફિલ્મને દર્શકોએ ઘણી પસંદ કરી અને સુપરહિટ બનાવી દીધી હતી.