મુંબઇ: બોલિવૂડના દિગ્ગજ અભિનેતા રિષી કપૂરના નિધન બાદ ઇન્ડસ્ટ્રીમાં શોકનું વાતાવરણ છે. તેમના ફ્રેન્ડની સાથે સાથે બોલિવૂડ સેલેબ્સ પણ તેમની સાથે વિતાવેલી પળોને યાદ કરી રહ્યાં છે.
30 એપ્રિલે રિષીનું મુંબઈની એક હોસ્પિટલમાં નિધન થયું હતું. તેઓ છેલ્લા બે વર્ષથી લ્યુકેમિયા સામે લડી રહ્યાં હતા. તેમના ગયા પછી તેમની ઘણી જૂની તસવીરો ઇન્ટરનેટ પર વાયરલ થઇ છે. તે દરમિયાન અત્યારે હજી એક અન્ય ફોટો સોસિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
આ ફોટોમાં અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન અને અભિનેતા અક્ષય ખન્ના રીષી કપૂરના ખભા પર માથું રાખી કેમેરા તરફ જોઇને હસતાં નજર આવી રહ્યાં છે. ઇન્સટાગ્રામ પર અક્ષયે શેર કરેલી આ તસવીર વર્ષ 1999માં આવેલી એશ્વર્યા અને તેની સ્ટારર ફિલ્મ 'આ અબ લૌટ ચલે'નો સેટ લાગે છે.
અભિનેતાએ તેના કેપ્શનમાં લખ્યું છે, "મહાન મનુષ્ય કદી મૃત્યુ પામતો નથી, તે હંમેશા આપણા હૃદયમાં જીવંત રહે છે. રિષીકપૂર." અક્ષયની આ ફિલ્મની વિશેષતા એ છે કે, તેનું નિર્દેશન ખુદ રિષી કપૂરે કર્યુ હતું અને રાજીવ કપૂર, રણધીર કપૂર અને રિષી કપૂર આના નિર્માતા રહ્યાં હતાં.