મુંબઈ: સુશાંત સિંહ રાજપૂતની આત્મહત્યા અંગે તેનો પરિવાર સતત CBI તપાસની માગ કરી રહ્યો છે. એવામાં બિહાર પોલીસ આ કેસની તપાસ માટે મુંબઇ પહોંચી છે. બિહાર પોલીસે આ મામલે હસ્તક્ષેપ કર્યા બાદ બિહાર પોલીસ અને મુંબઇ પોલીસ વચ્ચે તકરાર જોવા મળી છે. આ મામલે મુંબઇ પોલીસ કમિશનર પરમવીર સિંહનું એક નિવેદન સામે આવ્યું છે.
તેમનું કહેવું છે કે, જે રાજ્યની ઘટના છે ત્યાંની પોલીસ આ મામલો નોંધવા માટે બંધાયેલી હોય છે. કાદયો સ્પષ્ટ છે કે, ગુના વિશે જે-તે રાજ્યની પોલીસને સૂચિત કરવામાં આવે છે કે, જ્યાં આ ઘટના ઘટી છે.
તેમણે કહ્યું કે, બિહાર પોલીસે કયા કાયદાના આધારે પોતાના અધિકાર ક્ષેત્રની બહારનો મામલો હાથમાં લીધો છે, આ બાબતે અમને કોઇ જાણકારી નથી.
આ સમગ્ર ઘટનાક્રમ પર બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમારનું કહેવું છે કે, જે કંઇ પણ થયું તે સારું નથી. અમે અમારી જવાબદારી નિભાવી રહ્યા છીએ. પટના શહેરના એસપી વિનય તિવારી સાથે જે પણ મુંબઇમાં થયું તે સારું નથી.
તમને જણાવી દઇએ કે, બિહાર પોલીસ સતત આરોપ લગાવી રહી છે કે, સુશાંત સિંહ રાજપૂતના કેસમાં મુંબઇ પોલીસ મદદ કરી રહી નથી. આઇપીએસ વિનય તિવારીને જબરદસ્તી ક્વોરેન્ટાઇન કર્યા બાદ લાગી રહ્યું છે કે, મુંબઇ પોલીસ કઇંક છુપાવી રહી છે.
બિહારના ડીજીપીએ ટ્વીટ કરી જાણકારી આપી
આ મામલાને લઇ બિહારના ડીજીપી ગુપ્તેશ્વર પાંડેએ પોતે ટ્વીટ કરી જાણકારી આપી હતી. તેમણે ટ્વીટ કરી કહ્યું કે, આજે રાત્રે આઇપીએસ વિનય તિવારી ઑફિશિયલ ડ્યૂટીને લઇને પટનાથી મુંબઇ પહોંચ્યા છે. પરંતુ રવિવારની રાત્રે બીએમસી (બોમ્બે મ્યુનિસિપલ કૉર્પોરેશન)એ તેમને ક્વોરેન્ટાઇન કર્યા હતા. તેમના અનુરોધ કર્યા બાદ પણ IPS Messમાં આવાસની વ્યવસ્થા કરાઇ નહોતી. તે ગોરગાવના એક ગેસ્ટ હાઉસમાં રોકાયા હતા.