મુંબઇ: "મહેંદી" અને "ફરેબ" જેવી ફિલ્મોમાં કામ કરી ચુકેલા અભિનેતા ફરાઝ ખાન હાલમાં ખૂબ બીમાર છે અને તેમની હાલત ગંભીર છે. તેઓ ICUમાં દાખલ છે. અભિનેતાની સારવાર માટે તેના પરિવારજનોએ આર્થિક મદદની અપીલ કરી હતી, ત્યારબાદ બૉલિવૂડ સુપરસ્ટાર સલમાન ખાને મદદનો હાથ લંબાવ્યો છે. તેણે ફરાઝના મેડિકલ બીલો ભર્યા છે.
અભિનેત્રી કાશ્મીરા શાહે સોશિયલ મીડિયા પર સલમાન ખાનની આ ઉદારતા વિશે માહિતી આપી હતી. સલમાન સાથે 'દુલ્હનિયા હમ લે જાયેંગે' અને 'કહીં પ્યાર ન હો જાયે' જેવી ફિલ્મોમાં તેણે કામ કર્યું છે.કાશ્મીરા શાહે સલમાનનો ફોટો શેર કર્યો હતો અને કેપ્શનમાં લખ્યું હતું કે, "તમે ખરેખર સારા વ્યક્તિ છો."
તેણે વધુમાં લખ્યું કે,"ફરાઝ ખાન અને તેના મેડિકલ બીલોનું ધ્યાન રાખવા માટે આભાર. 'ફારેબ ગેમ' અભિનેતા ફરાઝ ખાનની સ્થિતિ નાજુક છે અને સલમાન તેની સહાય માટે આગળ આવ્યા છે, જેમ તેમણે ઘણા લોકોને મદદ કરી છે. હું હંમેશાં તેમની સાચી પ્રશંસક રહી છું અને રહીશ... જો લોકોને આ પોસ્ટ ગમતી ન હોય તો પણ, મને ફરક નથી પડતો. તમારી પાસે મને અનફોલો કરવાનો વિકલ્પ છે. "
બૉલિવૂડ અભિનેત્રી પૂજા ભટ્ટે ટ્વિટર પર ફરાઝની બીમારી વિશે માહિતી આપી હતી. અભિનેત્રીએ લખ્યું છે - "જો શક્ય હોય તો શેર કરો અને મદદ કરો."
ફરાઝ ખાન 'અમર, અકબર એન્થોની' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે. ફરાઝે 1998 માં રાની મુખર્જી સાથે ફિલ્મ "મહેંદી"માં પણ કામ કર્યું હતું. આ સિવાય તે 'ફરેબ', 'પૃથ્વી' અને 'દિલ ને ફિર યાદ કિયા' જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યો હતો.