લખનઉઃ બોલિવૂડ સિંગર કનિકા કપૂરનો સતત ચોથીવાર કોરોનાના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જેથી પરિવારમાં ચિંતાનો માહોલ છે. કનિકાને કોરોના વાયરસમાં પોઝિટિવ આવતા 20 માર્ચે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.
મહત્વનું છે કે, કનિકા 9 માર્ચે લંડનથી પરત આવી હતી, ત્યારબાદ કાનપુર અને લખનઉમાં કેટલાક કાર્યક્રમમાં હાજર રહી હતી. તે દરમિયાન તેણીને કફ અને તાવની અસર થઈ હતી.
આ અસરથી કનિકાને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જ્યાં કનિકામાં કોરાના પોઝિટિવ જણાતા કોરોન્ટાઇન કરાઈ હતી. કનિકાને પાર્ટીમાં ભાગ લેવા અને વાયરસ ફેલાવવા માટે મીડિયામાં ટીકાનો સામનો કરવો પડ્યો હતો. જો કે, કનિકા તબીબી પરીક્ષણમાં પોઝિટિવ આવતા તેના સંપર્કમાં આવનારા લોકોને પણ કોરોન્ટાઈન કરવામાં આવ્યાં હતાં.
કનિકા હાલ સંજય ગાંધી પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન્સ્ટિટ્યૂટમાં દાખલ કરવામાં આવી છે. કનિકાની ગેર વર્તણૂક બદલ હોસ્પિટલના વહીવટીતંત્રએ પણ ટીકા કરી હતી. તે દરમિયાન કનિકાના પરિવારે કહ્યું કે, અમે ફક્ત તેણીના આરોગ્ય માટે પ્રાર્થના કરી શકીએ છીએ. હાલ ડૉકટર્સે જણાવ્યું હતું કે, કનિકાની હાલત સ્થિર છે.