- એમેઝોન કન્ટેન્ટ હેડ અપર્ણા પુરોહિત ત્રીજી વખત સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવા પહોંચ્યા
- પોલીસ દ્વારા ફરીથી અપર્ણા પુરોહિતને બોલાવવામાં આવશે
- વેબ સિરીઝ તાંડવમાં અનેક વિવાદિત દ્રશ્યો દર્શાવવામાં આવ્યા હતા
લખનઉ: તાંડવ વેબ સીરિઝમાં વિવાદિત દ્રશ્યને લઈને એમેઝોન પ્રાઈમ ઈન્ડિયાના કન્ટેન્ટ હેડ અપર્ણા પુરોહિત ગુરુવારે બપોરે હઝરતગંજ કોટવાલી ત્રીજી વખત પોતાનું નિવેદન નોંધવા માટે પહોંચ્યા હતા. આ દરમિયાન પોલીસે લગભગ 3 કલાક સુધી તેની પૂછપરછ કરી. પોલીસના જણાવ્યા મુજબ, જરૂર પડે તો અપર્ણા પુરોહિતને ફરીથી બોલાવવામાં આવશે. આ સાથે જ કેસની તપાસ ખૂબ જ ઝડપથી થઈ રહી છે. એક મહિનામાં સીરીઝથી સંબંધિત 9થી વધુ લોકોની પૂછપરછ થઈ ચુકી છે.
સવારે 11 વાગ્યે પહોંચી પોલીસ સ્ટેશન
ઇન્ચાર્જ પ્રભારી શ્યામ બાબુ શુક્લા મુજબ, ગુરૂવારના રોજ સવારે લગભગ 11 વાગ્યે એમેઝોન પ્રાઈમના ઇન્ડિયા કન્ટેન્ટ હેડ અપર્ણા પુરોહિત હઝરતગંજ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. તેની સાથે વકીલ પણ હતો. આ પછી SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)એ તેની પૂછપરછ શરૂ કરી હતી. SITના નિરીક્ષકોમાં અનિલકુમાર સિંહ, SI અભિષેક શુક્લા, દયા શંકર દ્વિવેદી વગેરેનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: તાંડવ વેબ સિરિઝ મુદ્દે એમેઝોન પ્રાઈમ ઈન્ડિયાના 4 અધિકારીઓની પુછપરછ
પોલીસ દ્વારા ફરીથી અપર્ણા પુરોહિતને બોલાવવામાં આવશે
SIT ટીમે બપોરે 2 વાગ્યા સુધી અપર્ણાની પૂછપરછ કરી હતી. આ સમય દરમિયાન તે આજે પણ ઘણા પ્રશ્નોના જવાબ આપી શકી નથી. આ પ્રશ્નોના જવાબો જાણવા માટે પોલીસ દ્વારા ફરીથી અપર્ણા પુરોહિતને બોલાવવામાં આવશે. SITમાં સામેલ પોલીસકર્મીઓના જણાવ્યા અનુસાર, એમેઝોન પ્રાઇમ ઇન્ડિયાની વેબ સિરીઝ તાંડવથી સંબંધિત ઘણા લોકોની પૂછપરછ કરવામાં આવશે. તેની સૂચિ તૈયાર કરવામાં આવી છે. ટૂંક સમયમાં તેઓને નોટિસ મોકલીને બોલાવવામાં આવશે.
આ પણ વાંચો:‘તાંડવ’ વિવાદઃ દેશના અનેક ભાગોમાં આક્રોષ
જાણો શું છે સમગ્ર ઘટના
જાન્યુઆરીમાં રિલીઝ થયેલી વેબ સિરીઝ તાંડવમાં અનેક વિવાદિત દ્રશ્યો દર્શાવવામાં આવ્યા હતા. આ અંગે SSI અમરનાથ યાદવે 18 મી જાન્યુઆરીએ હઝરતગંજ પોલીસ સ્ટેશનમાં એક કેસ નોંધાવ્યો હતો. જેમાં ઈમેઝોન પ્રાઈમના હેડ અપર્ણા પુરોહિત, ડિરેક્ટર અલી અબ્બાસ, નિર્માતા હિમાંશુ કૃષ્ણ મહેરા અને રાઈટર ગૌરવ સોલંકી સહિત પાંચ લોકો પર આરોપ મૂકવામાં આવ્યા છે. બધા પર સમાજમાં અયોગ્ય ભાવના ફેલાવવાનો આરોપ છે. કમિશ્નર ડી.કે. ઠાકુરે પોલીસ સ્ટેશન કક્ષાએ SIT સ્થાપવા નિર્દેશ આપ્યો હતો. આ પર ડીસીપી મધ્ય સોમેન વર્માએ SIT (સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ)ની રચના કરી છે. તેનું નેતૃત્વ અનિલ સિંહ કરી રહ્યા છે. SIT દ્વારા આ મામલે અત્યાર સુધીમાં 9 લોકોના નિવેદનો નોંધવામાં આવ્યા છે. બુધવારે એમેઝોનના ચાર અધિકારીઓનાં નિવેદનો નોંધવામાં આવ્યા હતા.