મુંબઈઃ સુશાંતસિંહ રાજપૂતના નિધનથી સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે. તેના મૃત્યુને એક મહિનો થવા જઈ રહ્યો છે, પરંતુ તેના ચાહકો હજુ પણ માનવામાં સક્ષમ નથી કે અભિનેતા હવે આપણી વચ્ચે નથી. સુશાંતના ફેન ઉપરાંત બોલિવૂડ સેલેબ્સ પણ સુશાંતની યાદોને સોશિયલ મીડિયા દ્વારા શેર કરી રહ્યાં છે. આ દરમિયાન ‘સોન ચિડિયા’માં સુશાંત સાથે કામ કરનાર અભિનેતા મનોજ બાજપેયીએ પણ નિરાશા વ્યક્ત કરી છે.
કેટલાક પત્રકારો નિર્દોષ પ્રતિભાને બદનામ કરે છેઃ મનોજ બાજપેયી - સુશાંત સિંહ રાજપૂત
અભિનેતા મનોજ બાજપેયીનું કહેવું છે કે, સુશાંત સિંહ રાજપૂતનાં અવસાન પછી, લોકો જે સવાલ ઉઠાવી રહ્યાં છે તેનો જવાબ આપવો જરૂરી છે. મનોજે સુશાંત સાથે વર્ષ 2019ની ફિલ્મ ‘સોન ચિડિયા’માં કામ કર્યું હતું.
મનોજ બાજપેયીએ સુશાંત વિરુદ્ધ બ્લાઈન્ડ આઈટમ લખનારા લોકો સામે પણ અવાજ ઉઠાવ્યો હતો. તાજેતરમાં, એક અગ્રણી પોર્ટલને આપેલા ઇન્ટરવ્યુમાં મનોજે ફરી એકવાર સુશાંત વિશે કહ્યું કે, આપણે બધાએ આ ઘટનાને ગંભીરતાથી લેવી જોઈએ. સુશાંતના ફેન્સના ગુસ્સાને સમજવો જોઈએ.
મનોજ બાજપેયીએ બોલિવૂડમાં પક્ષપાત અંગે પ્રશ્નો ઉભા કર્યા હતા. તેમણે કહ્યું કે જ્યારે લોકો બોલિવૂડ સ્ટાર્સની પ્રશંસા કરે છે. ત્યારે યોગ્ય લાગે છે, પરંતુ આ સ્ટાર્સ ટીકા સાંભળવાનું પસંદ નથી કરતાં. "ગેંગ્સ ઑફ વાસેપુર" અભિનેતા મનોજ બાજપેયી આગળ કહે છે કે, જ્યારે ઑડિયન્સ આપણી ફિલ્મોને હિટ બનાવે છે ત્યારે આપણને સારું લાગે છે, પરંતુ જ્યારે તેઓ આપણને પ્રશ્ન કરે છે, ત્યારે તે પ્રશ્નોના જવાબ આપવા જોઈએ. અભિનેતાએ કેટલાક પત્રકારો પર પણ સવાલ ઉઠાવતા કહ્યું હતું કે, આ પત્રકારો નિર્દોષ પ્રતિભાને બદનામ કરે છે.