મુંબઇ : ભારતીય સિનેમા સંગીતને એક મુકામ સુધી પહોંચાડવામાં આશા ભોસલેનું મહત્વનું યોગદાન રહ્યું છે. 12 હજારથી વધુ ગીતોમાં પોતાનો અવાજ આપનારા આશા ભોસલેનો આજે જન્મદિવસ છે. આશા તાઈના નામે જાણીતા આશા ભોસલેનો જન્મ 8 સપ્ટેમ્બર 1933ના થયો. તેમણે ફક્ત હિન્દી ભાષામાં જ નહીં પણ મરાઠી, બંગાળી, પંજાબી, તામિલ, મલયાલમ, અંગ્રેજી અને રૂસી ગીતોમાં પણ અવાજ આપ્યો છે. તેમના જન્મદિવસે જાણીએ તેમના જીવન અને કરિઅર સાથે જોડાયેલી કેટલીક રસપ્રદ વાતો.
આશા ભોસલેના પિતા દીનાનાથ મંગેશકર પણ શાસ્ત્રીય ગાયક હતા, પણ જ્યારે આશા ભોસલે 9 વર્ષના હતા ત્યારે તેમના પિતાનું આવસાન થયું. પછી તેમના પરિવાર સાથે તેઓ પુણેથી કોલ્હાપુર અને તેના પછી મુંબઇ આવી ગયા. પરિવારની મદદ કરવા માટે આશા ભોસલેએ પોતાની મોટી બહેન લતા મંગેશકર સાથે મળીને ગીતો ગાવાનું શરૂ કર્યું. આશા ભોસલેએ ભલે લતા મંગેશકર સાથે ગાવાનું શરૂ કર્યું હોય, પણ કરિઅરમાં તેમને ઊંચાઈઓ સિદ્ધ કરવામાં ઘણો સમય લાગ્યો. તેમણે પહેલા ઓછા બજેટવાલી ફિલ્મો માટે ગીતો ગાયા અને તેના પછી ધીમે ધીમે તે ભારતીય સિનેમા સંગીતમાં પોતાની એક આગવી ઓળખ બનાવી.