મુંબઈ: ટેલિવિઝનથી કારકિર્દી શરૂ કરી બોલીવુડમાં પોતાના અદભુત અભિનય દ્વારા લોકોના દિલોમાં ખાસ જગ્યા બનાવવા વાળા અભિનેતા સુશાંતસિંહ રાજપૂતએ આત્મહત્યા કરી છે. તેમને મુંબઇમાં બાંદ્રા સ્થિત તેના ઘરમાં ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.
અભિનેતાના અચાનક અવસાન પર બોલિવૂડમાં શોકનો માહોલ છવાયો છે. બોલીવુડની તમામ હસ્તીએ અભિનેતાને શ્રદ્ધાંજલિ અર્પી હતી.
બીજી તરફ, સુશાંતસિંહ રાજપૂતના મૃતદેહના ફોટા સોશિયલ મીડિયા પર ઝડપથી વાઇરલ થઈ રહ્યા છે. આ અંગે ડિરેક્ટર ફરાહ ખાને ગુસ્સો વ્યક્ત કરતાં કહ્યું કે 'મારો મિત્ર સુશાંત સિંહ રાજપૂતનું ખૂબ જ નાની ઉંમરે અવસાન થયું છે. તેના મૃત્યુના ફોટા પ્રસારિત કરવાનું બંધ કરો. આ દુર્ઘટના છે, મનોરંજન નથી !! શું આ તે વિશ્વ છે જેમાં આપણે જીવીએ છીએ?
અભિનેત્રી મીરા ચોપડાએ પણ સુશાંત સિંહના મૃતદેહના ફોટા સોશિયલ મીડિયા પર વાઇરલ થવા પર ગુસ્સો વ્યક્ત કર્યો હતો. મીરા ચોપડાએ ટ્વિટ કરી લખ્યું કે, 'કૃપા કરીને સુશાંત સિંહ રાજપૂતના મૃતદેહના ફોટા વાઇરલ કરવાનું બંધ કરો. આ ગંભીર ઘટના છે.”
એક્ટર સોનુ સુદએ સુશાંતસિંહને શ્રદ્ધાંજલિ આપતા ટ્વિટમાં લખ્યું કે, “હું શોકમાં છું અને આ સમાચાર સાંભળી ખૂબ દુઃખ થયું, મારી પાસે કેહવા માટે શબ્દો નથી. કદાચ આ સમાચાર ખોટા હોત.” સોનુએ સુશાંતનો એક ફોટો શેર કરતા લખ્યું કે, આ સાચું નથી અહીં તારે વધારે સમય રહેવાનું હતું.
અક્ષયકુમારએ પણ દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે, "સાચું કહું તો આ સમાચારે સાંભળી મને આઘાત લાગ્યો ... મને યાદ છે કે 'છીછોર'માં સુશાંત સિંહ રાજપૂતને જોયો હતો અને તે પછી મેં મારા મિત્ર સાજિદ (ફિલ્મના નિર્માતા) ને કહ્યું કે, મને આ ફિલ્મને જોઈ ઘણો આનંદ આવ્યો અને કાશ કે, હું તે ફિલ્મનો એક ભાગ હોત. આવા પ્રતિભાશાળી અભિનેતા... ભગવાન તેમના પરિવારને શક્તિ આપે."
માહિતી અનુસાર, છેલ્લા કેટલાક મહિનાઓથી તે કોઈ વાતને લઈ ચિંતમાં હતા તેમજ લાંબા સમયથી તેમના ડિપ્રેશનની સારવાર ચાલુ હતી.