નવી દિલ્હીઃ અમિતાભ બચ્ચને સોમવારે ‘ફેમિલી’ ટાઇટલ ધરાવતી એક શોર્ટ ફિલ્મ શેર કરી હતી. જેમાં રજનીકાંત, ચિરંજીવી, મોહનલાલ, મામૂટ્ટી, રણબીર કપૂર, દિલજીત દોસાંજ અને આલિયા ભટ્ટ સહિતના ભારતીય ફિલ્મ ઉદ્યોગના અનેક સિતારા ચમકી રહ્યા છે.
બિગ-બીએ ટ્વિટર પર આ શોર્ટ ફિલ્મની ક્લિપ શેર કરી હતી અને લખ્યું હતું: "જ્યારે તમને જાણ થાય છે કે, તમે જે વિચારનું સ્વપ્ન સેવ્યું હતું, તેના કરતાં કારણ વધુ મોટું છે... આ ઐતિહાસિક પ્રયાસ સાકાર કરવા બદલ મારા તમામ સહકર્મીઓ અને મિત્રો માટે અઢળક આનંદ અને કૃતજ્ઞતા અનુભવું છું ! આપણે સૌ એક છીએ અને આપણે જીતીશું! જય હિંદ!"
4 મિનિટ અને 35 સેકન્ડ્ઝની આ ફિલ્મ 77 વર્ષના અભિનેતાના ક્યાંક મૂકાઇ ગયેલા સનગ્લાસિઝની આસપાસ ફરે છે અને તેને પગલે અન્ય તમામ કલાકારો તે સનગ્લાસ શોધવામાં લાગી જાય છે.
આખરે, બેવોચ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા તે સનગ્લાસ બિગ-બીને આપે છે અને પૂછે છે કે, તેમના માટે આ સનગ્લાસ આટલા જરૂરી શા માટે છે.
"મને આ સનગ્લાસ જોઇતા હતા, કારણ કે મને તે નથી જોઇતા. હું થોડા દિવસો સુધી ઘરની બહાર નથી નિકળવાનો. જો તે અહીં-તહીં પડ્યા હશે, તો ખોવાઇ જશે. જો તે ખોવાઇ જશે, તો તમારે સૌએ તે શોધવા પડશે. હવે, મારે તમને સૌને મુશ્કેલીમાં શા માટે મૂકવા જોઇએ?" તેમ બિગ-બી જવાબ આપે છે.
ફિલ્મના અંત ભાગમાં અમિતાભ બચ્ચને કહે છે કે, તેમનામાંથી કોઇપણ કલાકારે ફિલ્મનું શૂટિંગ કરવા માટે પોતપોતાનાં ઘરોની બહાર પગ મૂક્યો ન હતો.
તેમણે વધુમાં કહ્યું હતું કે, "અમે આ ફિલ્મ બનાવી, તે પાછળ બીજું એક કારણ પણ જવાબદાર છે. ભારતીય ફિલ્મ ઉદ્યોગ એક છે, અમે સૌ એક પરિવાર છીએ. પરંતુ, અમારી પાછળ એક વિશાળ પરિવાર છે, જે અમને સહાય પૂરી પાડે છે અને અમારી સાથે કામ કરે છે અને તે છે અમારા કાર્યકરો અને ડેઇલી વેજ (દૈનિક વળતર મેળવતા) લોકો, જેઓ લોકડાઉનને કારણે ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે."
"અમે સૌ આગળ આવ્યા છે અને ભંડોળ ઊભું કરવા માટે સ્પોન્સર્સ અને ટીવી ચેનલો સાથે મળીને ટીમ બનાવી છે. આ ફંડનું અમારા કાર્યકરો અને દૈનિક વળતર મેળવનારા લોકોમાં વિતરણ કરવામાં આવશે, જેથી તેમને આ કપરા સમયમાં રાહત મળી રહે." તેમ તેમણે ઉમેર્યું હતું.
અંતમાં અભિનેતાએ કહ્યું હતું કેઃ "ડરશો નહીં. ભય પામશો નહીં. સલામત રહો. આ સમય પણ જતો રહેશે. કાળું વાદળ અદ્રશ્ય થઇ જશે. નમસ્તે."