મુંબઈ: બે મહિનાથી વધુ રહેલા લોકડાઉન પછી ભારતમાં અનલોક-1માં મહદ અંશે છૂટ છાટ મળી છે. અનલોક-1 થયા પછી બોલિવૂડની ઘણી હસ્તીઓએ સોશિયલ મીડિયા પર લોકોને સાવચેત રહેવા અપીલ કરતા કહ્યું છે કે, લોકડાઉનમાં રાહતનો અર્થ એ નથી કે કોરોનાનું સંક્રમણ ઘટી ગયું છે.
રણવીર શૌરીએ ટ્વિટ કરીને કહ્યું કે, અનલોક-1માં મંદ પડેલી અર્થવ્યવસ્થાને કારણે થોડી છૂટછાટ આપવામાં આવી છે. તેથી આ બાબતને ધ્યાનમાં રાખી સચેત રેહવું જોઈએ.
રોહિત રોયે અપીલ કરતા કહ્યું કે, "મારા પ્રિય મુંબઇવાસીઓ... આ મારી સૌને અપીલ છે કે, આ મહામારીનો સૌથી ખતરનાક તબક્કો છે. મહેરબાની કરીને લોકડાઉનનો અંતને મહામારીનો અંત ન સમજો તેમજ બેજવાબદાર ન બનો. સાવચેત રહો."
સિંગર અરમાન મલિકે કહ્યું કે, લોકડાઉન હટાવવાનો અર્થ એ છે કે, આપણે વધુ સાવચેતી રાખવી પડશે. સામાજિક અંતરને અનુસરવું પડશે.
ફિલ્મ નિર્માતા અનુભવ સિંહાએ દેશમાં કોરોના વાઇરસની સારવાર માટે પૂરતી સુવિધા ન હોવા અંગે ચિંતા વ્યક્ત કરતાં ટ્વિટ કર્યું હતું કે, "લોકડાઉનમાં છૂટછાટ મળે તે પહેલાં દેશભરમાં આપણી પાસે વધુ હોસ્પિટલો, બેડ, ડોક્ટર, નર્સ અને સાધનો હોત તો સારું હતું. ભારતવાસીઓ મહેરબાની કરીને ખૂબ સાવચેત રહેજો.
ફિલ્મ નિર્માતા કૃણાલ કોહલીએ લખ્યું છે કે, કોરોનાના વધતા જતા કેસને ધ્યાનમાં રાખીને આપણે વધુ સાવચેત રહેવું પડશે, આપણી પ્રવૃત્તિઓ જરૂરી ચીજો સુધી મર્યાદિત રાખવી પડશે.
ડિરેક્ટર ઓનિરે સલાહ આપી હતી કે, કૃપા કરીને ઘરે જ રહો અને જ્યારે તમે ઘરની બહાર નીકળો ત્યારે સામાજિક અંતરનું પાલન કરજો.