નવી દિલ્હી: સુશાંતસિંહ રાજપૂતના મૃત્યુ મામલામાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)એ અભિનેત્રી રિયા ચક્રવર્તીને સમન્સ પાઠવીને શુક્રવારે પૂછપરછ માટે હાજર રહેવા જણાવ્યું છે. EDએ સુશાંતના મોત સંદર્ભે મની લોન્ડરિંગનો કેસ નોંધ્યો છે. એજન્સીએ તાજેતરમાં ચક્રવર્તીના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) રિતેશ શાહ અને સુશાંતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ સંદીપ શ્રીધરની પૂછપરછ કરી હતી.
સુશાંત આત્મહત્યા કેસઃ રિયા ચક્રવર્તી EDના સકંજામાં, 7 ઓગસ્ટે ED સમક્ષ થવું પડશે હાજર
સુશાંતસિંહ રાજપૂત કેસમાં ઇડી(ED)એ અભિનેત્રી રિયા ચક્રવર્તીને સમન્સ મોકલ્યું છે અને પૂછપરછ માટે હાજર રહેવા જણાવ્યું છે.
ઇડી સુશાંત રાજપૂતના નાણાં અને તેના બેંક ખાતાઓના કથિત દુરૂપયોગના આરોપોની તપાસ કરી રહી છે. દરમિયાન, કેન્દ્ર સરકારે આજે બિહાર સરકારની ભલામણ પર સુશાંતસિંહ રાજપૂત મૃત્યુ કેસની તપાસ CBIને સોંપી હતી. આ મામલે મહારાષ્ટ્ર અને બિહાર પોલીસમાં ઘણા વિવાદ થયા છે.
સ્વર્ગસ્થ અભિનેતાના પિતા કે.કે.સિંહે પટના શહેરના રાજીવ નગર પોલીસ સ્ટેશનમાં આઇપીસીની કલમ 306, 341, 342, 380, 406 અને 420 હેઠળ આ એફઆઈઆર દાખલ કરી છે. સુશાંતના પિતાએ પોતાની ફરિયાદમાં આરોપ લગાવ્યો છે કે, રિયા, તેના પરિવારના સભ્યો અને સહયોગીઓએ મારા પુત્રને છેતરપિંડી કરી અને એક ષડયંત્ર હેઠળ તેનું મૃત્યુ થયું છે. તેમણે કહ્યું કે, “રિયા સુશાંત સાથે રહેતી હતી. 8મી જૂને તે ઘરેથી રોકડ રકમ, લેપટોપ, એટીએમ કાર્ડ, ઘરેણાઓ, ઘણો બધો સામાન અને કાગળો સહિતના અન્ય દસ્તાવેજો લઈ ગઈ હતી." સુશાંતના પિતાનો આરોપ છે કે, તેમના પુત્રના બેંક ખાતામાંથી ઓછામાં ઓછા 15 કરોડ રૂપિયા અજાણ્યા ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા છે. ઇડી આ બાબતે તપાસ કરી રહી છે.