મુંબઈઃ બોલિવૂડના દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની છેલ્લી ફિલ્મ 'દિલ બેચારા' 24 જુલાઈએ ડિઝની પ્લસ હોટસ્ટાર પર રિલીઝ થવાની છે. સુશાંતે 14 જૂને પોતાને ફાંસી લગાવીને આત્મહત્યા કરી હતી. જેનાથી સમગ્ર દેશમાં શોક હતો.
અભિનેતાને શ્રદ્ધાંજલિ તરીકે, ડિઝની હોટસ્ટારે આ ફિલ્મ બધા માટે ઉપલબ્ધ બનાવવાનો નિર્ણય કર્યો છે. વૉલ્ટ ડિઝનીના પ્રમુખ ઉદય શંકરે સોમવારે વર્ચુઅલ પ્રેસ કોન્ફરન્સમાં આની ઘોષણા કરી હતી. આ ફિલ્મનું નિર્દેશન કાસ્ટિંગ ડિરેક્ટર મુકેશ છાબરા દ્વારા કરવામાં આવ્યું છે. આ ફિલ્મ હોલીવુડની બ્લૉકબસ્ટર 'ધ ફૉલ્ટ ઇન અવર સ્ટાર્સ'ની ઓફિશિયલ હિન્દી રિમેક છે, જે જ્હોન ગ્રીન નામના પુસ્તક પર આધારિત છે.
દિલજીત દોસાંજ સુશાંત સિંહ રાજપૂતને એક ઉમદા કલાકાર માને છે. દિલજીતે એવી માંગ કરી છે કે, સુશાંતની છેલ્લી ફિલ્મ થિયેટરમાં રિલીઝ થાય. દિલજીતે સુશાંતને યાદ કરીને એક ભાવુક પોસ્ટ શેર કરી હતી.
પોસ્ટરની સાથે કેપ્શનમાં તેમણે લખ્યું કે, 'આ ફિલ્મ થિયેટરમાં રિલીઝ થવી જોઈએ. હું મારા ભાઈને 2 વાર મળ્યો છું ...ઉમદા વ્યક્તિ હતો ... હું ચોક્કસપણે આ ફિલ્મ જોઈશ.' આ અગાઉ પણ સુશાંત સિંહ રાજપૂતનાં મોત અંગેની જાણ થતાં દિલજીતે તેની સાથેનો થ્રોબેક ફોટો શેર કરીને પોતાનું દુખ વ્યક્ત કર્યું હતું.
સુશાંત સિંહ રાજપૂતે 14 જૂને તેના મુંબઇના ઘરે ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી હતી. પ્રારંભિક પોલીસ રિપોર્ટ્સમાં ખુલાસો થયો હતો કે અભિનેતા છ મહિનાથી ડિપ્રેશનથી પીડિત હતો.