મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી દિપીકા પાદુકોણના પિતા પ્રકાશ પાદુકોણનો આજે 65મો જન્મદિવસ છે. ત્યારે દિપીકાએ આ ખાસ પ્રસંગે સોશીયલ મીડિયા દ્વારા તેમને એક ખાસ નોટ લખી શુભેચ્છાઓ પાઠવી છે.
દિપીકાએ લખ્યું, “મને અત્યાર સુધી મળેલા સર્વોત્તમ ઑફ સ્ક્રીન હીરો! અમને એ જણાવવા બદલ આભાર કે જીવનમાં ચેમ્પિયન બનવાનો મતલબ ફક્ત સિદ્ધિઓ હાંસલ કરવી એ જ નથી. પણ એક ઉમદા માણસ બનવું એ પણ છે! 65મા જન્મદિવસની શુભેચ્છાઓ.”
આ સાથે અભિનેત્રીએ પોતાના બાળપણની એક તસ્વીર પણ મૂકી હતી જેમાં તે તેના પિતાના ખોળામાં બેસેલી જોવા મળે છે.
આ પહેલા ફેબ્રુઆરીમાં દિપીકાએ પિતા માટે એક પોસ્ટ શેર કરી હતી. જેમાં તેણે લખ્યું હતું કે, “પપ્પા, બેડમિન્ટન અને ભારતીય રમતોમાં તમારું યોગદાન અસાધારણ છે. વર્ષો સુધી તમે સમર્પણ, અનુશાસન, દૃઢતા અને મહેનત વડે ઉત્તમ પ્રદર્શન કર્યુ છે. તમારી જેવું કોઈ બીજું ન થઈ શકે. અમે તમને પ્રેમ કરીએ છીએ અને તમારા પર ગર્વ છે.”
આ ઉપરાંત માર્ચમાં પ્રકાશ પાદુકોણે ઓલ ઇંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યાને 40 વર્ષ પૂરા થતા રણવીર સિંહે પોતાના સસરાને શુભેચ્છાઓ પાઠવી હતી.