મુંબઇ: કોરોના વાયરસને કારણે આખી દુનિયામાં ભયનો માહોલ છે. ભારતમાં પણ આ મહામારીનો રોગચાળો સતત વધી રહ્યો છે અને તેને રોકવા માટે સરકાર દ્વારા સમગ્ર દેશમાં લોકડાઉન લાદવામાં આવ્યું છે. જેના કારણે આખા દેશને ખૂબ હાલાકી વેઠવી પડી રહી છે અને મોટાભાગના ગરીબ લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.
આવી સ્થિતિમાં સરકાર તેમની મદદ માટે તમામ શક્ય પ્રયત્નો કરી રહી છે અને તે જ સમયે બોલિવૂડ સેલેબ્સ પણ તેમનું સમર્થન કરી રહ્યા છે અને લોકોને પણ આવું કરવા અપીલ કરી રહ્યા છે. આ દરમિયાન શક્તિ કપૂરે એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ઇટાલીના સર્વાઇવરની વાર્તા કહીને લોકોને જાગૃત કરી રહ્યાં છે.
વીડિયોમાં તેમણે ઇટાલીના 93 વર્ષીય કોરોના સર્વાઈવરની કહાની જણાવી હતી. આ કહાની સંભળાવતી વખતે શક્તિ કપૂર ખૂબ ભાવુક થઈ ગયા હતાં. તેમણે કહ્યું કે, "ઇટાલીની અંદર એક 93 વર્ષના વૃદ્ધ સ્વસ્થ થઈ રહ્યો હતા અને હોસ્પિટલ છોડી જઈ રહ્યા હતાં. ત્યારે ડોક્ટરે કહ્યું કે તમારે 5 દિવસ માટે વેન્ટિલેટરનું બિલ ચૂકવવું પડશે. એ સાંભળતા વડીલની આંખો ભરાઈ ગઈ."
અભિનેતા આગળ જણાવે છે કે, "ડોક્ટરે કહ્યું, શું થયું, તમારી પાસે પૈસા નથી. ત્યારે વૃદ્ધે કહ્યું, મારી પાસે ઘણા પૈસા છે, પરંતુ આજે એક વાત સમજાઈ છે કે મારે ભગવાનનું મોટું બિલ ચૂકવવું પડશે. જેણે મને આખી જિંદગી મુક્ત શ્વાસ લેવાની તક આપી." આ કહાની કહેતા શક્તિ કપૂર ખુબ જ ભાવુક થઈ ગયા હતાં.
વધુમાં શક્તિ કપુરે કહ્યું કે , આ વાત મારા દિલમાં વસી ગઈ છે. તેમને પણ સમજો. તમારૂ ધ્યાન રાખો અને ઘરમાં જ રહો. અમૂલ્ય જીવનનું મહત્વ સમજો.