પટનાઃ સુશાંત સિંહ આત્મહત્યા કેસ મામલે તપાસ કરવા મુંબઇ પહોંચેલી બિહાર પોલીસના અધિકારીને ક્વોરન્ટાઇનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. એડીજી મુખ્યાલય તરફથી એક પત્ર લખ્યા બાદ બીએમસીએ આઇપીએસ અધિકારી વિનય તિવારીને ક્વોરન્ટાઇનમાંથી મુક્ત કર્યા છે. સુશાંત સિંહ કેસ મામલે તપાસ કરવા પહોંચેલી એસઆઇટી ટીમનું નેતૃત્વ કરવા માટે પોલીસ મુખ્યાલય તરફથી તપાસ કરવા મુંબઇ મોકલવામાં આવ્યા હતા. જ્યાં પટના સેન્ટ્રલ એસપી વિનય તિવારીને ક્વોરન્ટાઇન કરવામાં આવ્યા હતા.
પોલીસ મુખ્યાલયે ગુરૂવારે સિટી એસપી વિનય તિવારીને મુક્ત કરવા માટે બીએમસીને ફરી એકવાર પત્ર લખ્યો હતો. જે બાદ બીએમસીએ સિટી એસપીને ક્વોરન્ટાઇનનો સમય ખતમ કર્યો હતો. વિનય તિવારી હવે બિહાર પરત ફરશે. વિનય તિવારીએ કહ્યું કે, બીએમસીએ મને ટેક્સ્ટ મેસેજ કરીને જણાવ્યું કે, હવે હું બહાર જઇ શકું છું. જેથી આજે હું પટના પહોંચીશ. બુધવારે સુપ્રીમ કોર્ટની કડક ટિપ્પણી બાદ પણ બીએમસીએ સિટી એસપી વિનય તિવારીને મુક્ત કરવામાં આવ્યા નથી. જોકે, પોલીસ મુખ્યાલય તરફથી બીજી એકવાર પત્ર લખ્યા બાદ તેમને ક્વોરન્ટાઇનમાંથી મુક્ત કરવામાં આવ્યા છે.